પાકિસ્તાન, તૂર્કી... બ્રિક્સ સભ્ય માટે 34 દેશે કરી અરજી પરંતુ ભારત તેના પક્ષમાં નથી, જાણો કારણ
Image: Wikipedia
BRICS: બ્રિક્સના સભ્યપદ માટે સમગ્ર દુનિયામાં એક હોડ શરૂ થઈ ગઈ છે. રશિયાના કઝાનમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનથી પહેલા 34 દેશોએ આ સંગઠનના સભ્યપદ માટે અરજી કરી દીધી છે. આ દેશોમાં પાકિસ્તાન, તૂર્કી, સીરિયા, પેલેસ્ટાઈન અને મ્યાનમાર જેવા દેશ સામેલ છે. જણાવાઈ રહ્યું છે કે કઝાનમાં 22થી લઈને 24 ઓક્ટોબર સુધી થનારી બેઠકમાં 10 નવા સભ્યો અને 10 પાર્ટનરને સામેલ કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ વાત એ છે કે હિંસા પ્રભાવિત સીરિયા, મ્યાનમાર અને પેલેસ્ટાઈન પણ આના સભ્ય બનવા ઈચ્છે છે. બ્રિક્સના સંસ્થાપક સભ્યોમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા છે પરંતુ આમાં ઘણા નવા સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. ભારત આ સંગઠનના તાત્કાલિક અને વધુ વિસ્તારના પક્ષમાં નથી પરંતુ ચીન પોતાના એજન્ડાને આગળ વધારવા માટે રશિયાનો ઉપયોગ કરીને તેની સદસ્યતાને વધારવા ઈચ્છે છે.
રિપોર્ટ અનુસાર કઝાનમાં થનારી બેઠકમાં સામાન્ય સંમતિ બન્યા બાદ જ નવા સભ્યોનું એલાન કરવામાં આવશે. પીએમ મોદી પણ આ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવાના છે. આ છેલ્લા 3 મહિનામાં પીએમ મોદીની બીજી રશિયા યાત્રા હશે. જણાવાઈ રહ્યું છે કે આ બેઠકમાં પીએમ મોદી અને બ્રિક્સના સભ્ય દેશોના નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે પણ ઘણા વર્ષો બાદ મુલાકાત થઈ શકે છે.
બ્રિક્સ માટે કયા દેશોએ કરી અરજી?
સૂત્રોના જણાવ્યા અનુસાર જે 34 દેશોએ અરજી કરી છે, તેમાં અલ્જિરિયા, અજરબૈજાન, બહરીન, બાંગ્લાદેશ, બેલારુસ, બોલિવિયા, ક્યૂબા, ચાડ, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, કુવૈત, પાકિસ્તાન, મલેશિયા, લાઓસ, મ્યાનમાર, મોરક્કો, નાઈઝીરિયા, સેનેગલ, દક્ષિણ સુદાન, શ્રીલંકા, પેલેસ્ટાઈન, સીરિયા, થાઈલેન્ડ, તૂર્કી, યુગાન્ડા, વેનેઝુએલા, વિયેતનામ અને ઝિમ્બાબ્વે વગેરે દેશ સામેલ છે. તેમાં ઘણા એવા દેશ છે જ્યાં ચીનનો ખૂબ વધુ પ્રભાવ છે અને તે અમેરિકાના નેતૃત્વ વાળા પશ્ચિમી દેશોના ગઠબંધનનો વિરોધ કરે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના ધમપછાડા, બ્રિક્સમાં સામેલ થવા રશિયાની શરણે, ભારત કરી રહ્યુ છે વિરોધ
અત્યારે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથિયોપિયા, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા બ્રિક્સના સભ્ય દેશ છે. કઝાનમાં થનારી બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિઆન પણ હાજર રહેશે. આ તેમની પહેલી રશિયા યાત્રા હોઈ શકે છે. તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન પણ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા પહોંચી રહ્યાં છે. રશિયાએ કહ્યું છે કે લગભગ 24 દેશોના નેતા કઝાનમાં જમા થવાના છે. વિશ્લેષકોનું કહેવું છે કે ચીન બ્રિક્સનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યું છે.
ચીનની ચાલને માત આપશે આ દેશ
વિશ્લેષકોનું માનવું છે કે ચીનનો પ્રયત્ન છે કે પશ્ચિમી દેશોના જી7 વિરુદ્ધ બ્રિક્સને ઊભું કરવામાં આવે. રશિયા અત્યારે યુક્રેન યુદ્ધમાં ફસાયેલું છે અને ચીન પર ખરાબ રીતે નિર્ભર છે. આનો ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે. ઈઝરાયલની સાથે યુદ્ધમાં ફસાયેલું ઈરાન પણ ચીનનો સાથ આપી શકે છે. તેમણે કહ્યું કે ચીન ભલે પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ યુએઈ, ભારત અને સાઉદી અરેબિયા ચીનના ઈરાદા સફળ થવા દેશે નહીં. ચીન ઈચ્છે છે કે પાકિસ્તાન અને તૂર્કીને પણ સામેલ કરવામાં આવે જેનાથી બ્રિક્સમાં તેનો પ્રભાવ વધી જાય. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ ઈચ્છે છે કે બ્રિક્સની સદસ્યતા તેમને મળે જ્યાં ચીનનો ખૂબ વધુ પ્રભાવ છે. ભારતનું કહેવું છે કે તાજેતરમાં જ બ્રિક્સનો એક વિસ્તાર થયો છે અને આપણે થોડું રોકાઈને પછી નવા સભ્યોને સામેલ કરવા જોઈએ.