દેવામાં ડૂબેલ પાકિસ્તાનની થઇ ફજેતી, ચીની નાગરિકોની હત્યાના બદલામાં આપશે 72 કરોડનું વળતર
Chinese killed as suicide attack in Khyber Pakhtunkhwa : પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. આર્થિક સંકટની સાથે સુરક્ષા સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં અવારનવાર આતંકી હુમલા થતા હોય છે, એવામાં ખૈબર પખ્તુનખ્વામાં ચીની નાગરિકો સામે થયેલ હુમલા માટે પાકિસ્તાન વળતર પેટે ચીની નાગરિકોના પરિવારજનોને 2.58 મિલિયન યુએસ ડોલર એટલે કે 72 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર ચૂકવશે. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વળતર ચુકવાનો નિર્ણય લેવાયો હતો.
પાકિસ્તાનમાં પાંચ ચીની નાગરિકોના થયા હતા મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના શાગલાંમાં થયેલ આત્મઘાતી હમલામાં પાંચ ચીની નાગરિકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વાના કોહિસ્તાન જઈ રહેલા ચીની નાગરિકોની કાર સાથે વિસ્ફોટકોથી ભરેલી ગાડી અથડાવી હતી, જેના કારણે કાર ખાડામાં પડી ગઈ હતી.
અગાઉ પણ ચીની નાગરિકોઓ ઉપર થયા હતા હુમલા
BLA (બલૂચિસ્તાન લિબરેશન આર્મી) દ્વારા 20 ઓગસ્ટ 2021ના રોજ ગ્વાદરમાં ચીની નાગરિકોને લઈ જતા વાહનને નિશાન બનાવી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2022માં કરાંચી યુનિવર્સિટીની કન્ફ્યુશિયસ સંસ્થામાં BLA દ્વારા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની પ્રશિક્ષકોનું મોત થયું હતું.
BLA ચીનીઓ પર હુમલાઓ કેમ કરી રહી છે?
બલુચિસ્તાનના નાગરિકો પોતાના અધિકારો માટે પાકિસ્તાન સરકાર સામે ઘણા દાયકાઓથી વિદ્રોહ કરી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા કરાર મુજબ ‘ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર’ પ્રોજેક્ટની પણ કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ બલુચિસ્તાનનો પણ સમાવેશ થાય છે અને ચીને સૌથી વધુ રોકાણ બલુચિસ્તાનમાં જ કર્યું છે. BLA ઘણા વર્ષોથી પ્રોજેક્ટનો સખત વિરોધ કરતું રહ્યું છે અને તે અવારનવાર આવા હુમલાઓ કરે છે.