પાકિસ્તાન ચીન પાસેથી 40 અત્યાધુનિક જે-35 ફાઇટર વિમાનો મેળવશે
- પાંચમી જનરેશનના ચીની જેટ વિમાનોની પ્રથમ નિકાસ
- પાકિસ્તાનના જુના એફ-16 અને મિરાજ ફાઇટર્સને બે વર્ષમાં જે-35 ચીની ફાઇટર વિમાનો રિપ્લેસ કરશે
બિજિંગ : પાકિસ્તાને ચીનના અત્યાધુનિક ૪૦ સ્ટીલ્થ ફાઇટર વિમાનો જે-૩૫ મેળવવાની યોજના ઘડી છે જે સાકાર થશે તો ચીનના પાંચમી પેઢીના ફાઇટર વિમાનોની સાથી દેશમાં આ પ્રથમ નિકાસ બની રહેશે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર આ નિકાસને કારણે પ્રાદેશિક સંબંધોમાં ખાસ કરીને પાકિસ્તાનના દુશ્મન ભારત સાથેના ચીનના સમીકરણો બદલાશે.
હોંગકોંગના અખબારે તેના અહેવાલમાં પાકિસ્તાનના મિડિયા રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન એર ફોર્સે આ ૪૦ ચીની ફાઇટર વિમાનો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ વિમાનોની ડિલિવરી આગામી બે વર્ષમાં થઇ જતાં તે પાકિસ્તાનના એરફોર્સમાં જુના અમેરિકન એફ-૧૬ અને ફેન્ચ મિરાજ લડાયક વિમાનોનું સ્થાન લેશે.
હાલ પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી હોવા છતાં નવા વિમાનો મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ચીને તેના સત્તાવાર મિડિયામાં આવા કોઇ સોદાનો ઉલ્લેખ સુદ્ધાં થયો નથી. જો કે,ગયા મહિને ઝુહાઇમાં ચીને તેનો પ્રતિષ્ઠિત વાર્ષિક એર શો યોજ્યો તેમાં આ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનના એર ફોર્સના ટોચના અધિકારીઓ હાજર રહેતાં આવો સોદો થયાની અટકળો વહેતી થઇ હતી. પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં પાકિસ્તાની હવાઇદળના વડા ચીફ એર માર્શલ ઝહીર અહમદ બાબરે જણાવ્યું હતું કે જે-૩૧ સ્ટીલ્થ ફાઇટર વિમાનો મેળવવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ચીન અને પાકિસ્તાન તમામ સંજોગોમાં એકમેકના સાથી હોઇ તેમના લશ્કરી સંબંધો ગુપ્ત રહસ્ય બની રહ્યા છે. હાલ પાકિસ્તાનનો જેના પર મહત્તમ મદાર છે તે જે-૩૧ થંડર ફાઇટર વિમાનોને ચીન સાથે સંયુક્ત રીતે વિકસાવવામાંં આવ્યા હતા.
ગયા મહિને ચીનની મિલિટરીના તમામ કમાન્ડ સેન્ટ્રલ મિલિટરી કમિશનના વાઇસ ચેરમેન જનરલ ઝાંગ યુશીઆએ પાકિસ્તાનની મુલાકાત લઇ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનીર સાથે વાટાઘાટો કરી હતી. આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેવા ૩૦૦ ચીની સૈનિકોનું આગમન પાકિસ્તાનમાં થયું ત્યારે જ જનરલ ઝાંગે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પાકિસ્તાની મિડિયાના અહેવાલો અનુસાર ચીન તેના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર-સીપીઇસી-પ્રોજેક્ટમાં કામ કરી રહેલાં ૨૦,૦૦૦ ચીની કર્મચારીઓનું રક્ષણ કરવા માટે તેની સુરક્ષા કંપનીઓને પરવાનગી આપવા દબાણ કરી રહ્યું છે. હાલ આ ચીની કર્મચારીઓ પર પાકિસ્તાનમાં આતંકી જૂથો દ્વારા થતાં હુમલાઓ વધી ગયા છે. પાકિસ્તાને આ ચીની કર્મચારીઓનું રક્ષણ કરવા ૩૦,૦૦૦ કરતાં વધારે લશ્કરી અને અર્ધ લશ્કરી દળો તેનાત કર્યાં છે. પાકિસ્તાન તેના સાર્વભૌમત્વની ચિંતાને આગળ કરી ચીનના સૈનિકોને તહેનાત કરવાના બિજિંગના દબાણને ખાળી રહ્યું છે.