પાકિસ્તાનમાં વધુ એક આંતકી દાઉદ મલિકની હત્યા, મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર હતો
image : Twitter
નવી દિલ્હી,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો પાકિસ્તાનમાં યમ સદન પહોંચવાનો સિલસિલો ચાલુ જ છે.
હવે દાઉદ મલિક નામના આતંકીની પણ હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાઉદ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર ગણાય છે. આ સિવાય તે લશ્કર એ જબ્બર અને લશ્કર એ જાંગવી સંગઠન સાથે પણ જોડાયેલો હતો.
આ પહેલા પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ શાહિદ લતીફની તાજેતરમાં જ હત્યા થઈ હતી અને તેમાં પાકિસ્તાન પોલીસે બહારની જાસૂસી એજન્સીનો હાથ હોવાનો બળાપો પણ કાઢ્યો હતો. હવે વધુ એક આતંકવાદીને ઢાળી દેવામાં આવ્યો છે.
દાઉદ મલિકની પાકિસ્તાનના ઉત્તર વજીરીસ્તાનમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી છે.
દાઉદ મલિક માટે કહેવાય છે કે, ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી ત્યારે આ આતંકી ત્યાં જ હતો. જોકે તે હુમલામાં બચી ગયો હતો. આ તમામ આતંકીઓને પાકિસ્તાન સુરક્ષા પણ પૂરી પાડે છે.
આમ છતા એક પછી એક આતંકવાદીઓ ટપોટપ મરી રહ્યા હોવાથી પાકિસ્તાન સરકાર પણ બહાવરી બની રહી છે.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્યા ગયેલા આતંકીઓ આ પ્રમાણે છે
- 20 ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીરની રાવલપિંડીમાં હત્યા થઈ હતી.જે ભારતની આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો
- ગયા મહિને લશ્કર એ તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદના નિકટના અબુ કાસિમની રાવલકોટમાં ગોળી મારી હત્યા કરાઈ હતી
- ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકી અને ભારતમાં મોસ્ટ વોન્ટેડ પરમજીત સિંહની પણ અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી
- જૈશ એ મહોમ્મદના ખૂંખાર આતંકી જહૂર મિસ્ત્રીનુ પણ મર્ડર થઈ ગયુ હતુ. આ આતંકી કંદહાર વિમાન અપહરણકાંડમાં સામેલ હતો.
- ખાલિદ રઝા નામના આતંકીને કરાચીમાં ગોળી મારીને ઢાળી દેવાયો હતો.
- લશ્કર એ તોઈબાના આતંકી અબ્દુલ સલામ ભટ્ટાવીની મે મહિનામાં હત્યા થઈ હતી.