ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બખેડો, 100થી વધુ પોલીસકર્મી અચાનક બરતરફ
Pakistan Suspend Over 100 Police Officers: પાકિસ્તાનની પંજાબ પોલીસના 100થી વધારે પોલીસકર્મીઓને બરતરફ કરી દેવામાં આવ્યાં છે. કારણ કે, તેઓએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોંપવામાં આવેલી સિક્યોરિટી ડ્યુટી કરવાનો ઈનકાર કરી દીધો છે. બરતરફ કરવામાં આવેલાં પોલીસકર્મીઓ વિવિધ શાખાઓ સાથે જોડાયેલાં હતાં.
આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ગેરજવાબદારીનો અવકાશ નથી
પંજાબ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અનેક જગ્યાએ ફરજ પરથી ગેરહાજર 100થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના પદ પરથી દૂર કરાયા છે. જોકે, બરતરફ કરવામાં આવેલાં પોલીસકર્મીમાંથી અનેકે પોતાના સોંપેલા કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસ અધિકારીઓને લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ અને નિર્દિષ્ટ હોટેલ વચ્ચે મુસાફરી કરનાર ટીમની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. પરંતુ, તે હાજર ન રહ્યાં અને પોતે આ જવાબદારી લેવાનો પણ સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો. આઈજીપી પંજાબ ઉસ્માન અનવરે આ મામલે સંજ્ઞાન લીધું અને સંબંધિત પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યાં. તેમણે કહ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સુરક્ષાની વાત આવે છે તો ગેરજવાબદારીનો કોઈ અવકાશ નથી રહેતો.'
ફરજ બજાવવાનો કર્યો ઈનકાર
નોંધનીય છે કે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું કે, બરતરફ કરવામાં આવેલાં પોલીસકર્મીઓએ પોતાની ફરજ બજાવવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, અનેક સ્થાનિક મીડિયા રિપોર્ટથી જાણ થાય છે કે, બરતરફ કરવામાં આવેલાં પોલીસકર્મી લાંબા સમયથી ડ્યુટી કરવાના કારણે કામનું ભારણ અનુભવતા હતાં.
પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ અને ભારતની હાર બાદ પહેલાંથી જ ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થઈ ચુકી છે.