Get The App

અજબ-ગજબ: પાકિસ્તાને 2000 ભિખારીઓના પાસપોર્ટ રદ કર્યા, કારણ છે ચોંકાવનારૂં

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અજબ-ગજબ: પાકિસ્તાને 2000 ભિખારીઓના પાસપોર્ટ રદ કર્યા, કારણ છે ચોંકાવનારૂં 1 - image


ભારતના પાડોશી પરંતુ આંતકવાદને આશ્રય આપીને દુશ્મન બનતા પાકિસ્તાનમાં બનેલ વધુ એક અજીબોગરીબ ઘટનાએ સૌને ચોંકાવ્યા છે. પાકિસ્તાન સરકારે વિદેશમાં ભીખ માંગવા જતા 2000થી વધુ ભિખારીઓના પાસપોર્ટ રદ્દ કરી દીધા છે. એક સમાચાર અનુસાર આ ભિખારીઓ વિદેશમાં પાકિસ્તાનની ઈમેજ ખરાબ કરે છે. ડોન ન્યૂઝના અહેવાલ અનુસાર, વિશ્વભરના પાકિસ્તાન દૂતાવાસોમાંથી આવા લોકોની યાદી બનાવવામાં આવી છે અને વિદેશ મંત્રાલય પાસેથી વધુ માહિતી પણ માંગવામાં આવી છે.

રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવાયું છે કે વિદેશમાં ભીખ માંગતા પકડાયેલા લોકોના પાસપોર્ટ પર સાત વર્ષ માટે પ્રતિબંધ લાદવા માટે અંતિમ તબક્કાની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે વિદેશમાં ભીખ માંગવાથી માત્ર પાકિસ્તાનની છબી જ ખરાબ નથી થતી પરંતુ દેશના લોકોનું સન્માન પણ ઓછું થાય છે. આ કારણોસર કડક પગલાં લેવાના આશય સાથે પાસપોર્ટ 7 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે.

સરકાર માત્ર ભિખારીઓ જ નહિ પરંતુ ભિખારીઓને વિદેશમાં મદદ કરતા એજન્ટોના પાસપોર્ટ પણ રદ્દ કરવા માંગે છે. ઘણા ભિખારીઓ હજયાત્રા કે ઉમરાહ માટે સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં જાય છે પરંતુ ત્યાં ભીખ માંગવાનું શરૂ કરે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય એક નક્કર નીતિ બનાવવા સાથે મળીને કામ કરી રહ્યાં છે. વિદેશમાં ભીખ માંગતા પાકિસ્તાની લોકો વિશે માહિતી એકઠી કરવી એ આ મુદ્દાને ઉકેલવા તરફનું એક મહત્વપૂર્ણ પહેલું પગલું છે.

24 લોકોને પકડ્યા હતા :

ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાકિસ્તાનના 24 લોકોને સાઉદી અરેબિયાની ફ્લાઈટમાં ચડતા પહેલા જ પકડી લેવામાં આવ્યા હતા. આ લોકો તીર્થયાત્રીઓ તરીકે આવ્યા હતા પરંતુ તેઓ ત્યાં જઈને ભીખ માંગશે કે કેમ તે અંગે શંકા હોવાથી અટકાયત થઈ હતી. આ ઘટનાના બે દિવસ પહેલા જ મુલતાન એરપોર્ટ પર સત્તાધીશોએ સાઉદી અરેબિયા જતી ફ્લાઈટમાંથી એક બાળક, 11 મહિલાઓ અને 4 પુરૂષો સહિત કુલ 16 લોકોને ઉતાર્યા હતા. ઉમરાહ માટેના વિઝા ધરાવનાર આ લોકો ભીખ માગતા હોવાની પણ આશંકા હતી. ઉમરાહ એ મક્કાની તીર્થયાત્રાનો ઉલ્લેખ કરે છે, જે વર્ષના કોઈપણ સમયે કરી શકાય છે.


Google NewsGoogle News