આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાનને રાહત, IMF દ્વારા 700 મિલિયન ડોલરની લોન મંજૂર
image : twitter
ઈસ્લામાબાદ,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
મોંઘવારી અને આર્થિક કંગાળી વચ્ચે લોન માટે આઈએમએફ( ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) સમક્ષ કરેલી કાકલૂદીઓ પાકિસ્તાનને ફળી રહી છે. પાકિસ્તાનને આઈએમએફ દ્વારા 700 મિલિયન ડોલરની વધુ એક લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વિદેશી હુંડિયામણની તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આ લોન રાહતરૂપ બનશે. પાકિસ્તાને આર્થિક સુધારા માટે બનાવેલા કાર્યક્રમનો રિવ્યૂ કર્યા બાદ આઈએમએફે ઉપરોક્ત નિર્ણય લીધો છે.
હાલમાં પાકિસ્તાનને આઈએમએફ તરફથી 1.2 અબજ ડોલરનો પહેલો હપ્તો મળેલો છે. બાકીના બે હપ્તા પાકિસ્તાનના આર્થિક સુધારાની સમીક્ષા બાદ રિલિઝ કરવામાં આવશે તેવુ કહેવામાં આવ્યુ હતુ.
હવે પાકિસ્તાનના નાણા મંત્રાલયનુ કહેવુ છે કે, આઈએમએફ તરફથી 700 મિલિયન ડોલર લોનનો હપ્તો આપવાનો પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન પાસે એમ પણ વિદેશી ભંડોળ ઓછુ છે. ગત વર્ષની શરુઆતમાં પાકિસ્તાન સરકારે જાહેર કર્યુ હતુ કે, દેશ પાસે હવે માત્ર 3.09 અબજ ડોલરનુ વિદેશી હુંડિયામણ બચ્યુ છે અને ત્યારથી પાકિસ્તાન માટે ખતરાની ઘંટડીઓ વાગવાની શરૂ થઈ હતી.