પાકિસ્તાનના ધમપછાડા, બ્રિક્સમાં સામેલ થવા રશિયાની શરણે, ભારત કરી રહ્યુ છે વિરોધ
image : Social media
મોસ્કો,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
ભારત સહિત ચાર દેશોએ સ્થાપેલા બ્રિક્સ સંગઠનની બોલબાલા વધી રહી છે. દુનિયાના બીજા દેશોની જેમ પાકિસ્તાનને પણ તેમાં સામેલ થવુ છે. જોકે ભારત તેનો વિરોધ કરી રહ્યુ છે.
બ્રિકસમાં જોડાવા માટે ધમપછાડા કરી રહેલા પાકિસ્તાને હવે બ્રિકસના ચાર સ્થાપકો પૈકી એક રશિયાને મનાવવા માટે સેનેટની ડિફેન્સ કમિટિના ચેરમેન મુસાહિદ હુસૈનને મોસ્કો મોકલ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની બ્રિકસમાં જોડાવાની અરજી પર રશિયા ઝડપથી વિચાર કરશે. પાકિસ્તાન આ સંગઠનમાં સામેલ થશે તો સંગઠન વધારે મજબૂત બનશે.
જોકે પાકિસ્તાન ગમે તેટલા દાવા કરે પણ ભારતની મંજૂરી વગર બ્રિક્સમાં તેની એન્ટ્રી શક્ય નથી અને એટલે જ પાકિસ્તાન ભારતના ગાઢ મિત્ર રશિયા થકી ભારત પર દબાણ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યુ છે.
અત્યારે બ્રિક્સ સંગઠનનુ અધ્યક્ષપદ રશિયા પાસે છે અને પાકિસ્તાન તેની મદદથી સભ્ય બનવા માંગે છે. ડિફેન્સ કમિટિના અધ્યક્ષ મુશાહિદે રશિયન મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રશિયા અમારા આવેદન પર સકારાત્મક રીતે વિચાર કરશે. અમારા રશિયા અને ચીન એમ બંને દેશો સાથે સારા સબંધો છે. બ્રિકસ સંગઠન એ ગ્લોબલ સાઉથની વિચારધારાનુ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં દુનિયાના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશોના વિકાસની વાત કેન્દ્ર સ્થાને છે.
તેમણે રશિયાને ખુશ કરવા માટે કહ્યુ હતુ કે, યુક્રેન સામે રશિયાની કાર્યવાહીને વખોડવા માટે અમેરિકા અમારા પર દબાણ કરી રહ્યુ છે પણ અમે હજી સુધી આ પ્રકારના દબાણ સામે ઝૂકયા નથી. અમેરિકા અને પશ્ચિમી દેશો બેવડુ વલણ અપનાવી રહ્યા છે તેવો પણ તેમણે ઈશારો કર્યો હતો.
પાકિસ્તાનને બ્રિકસ સંગઠનમાં સામેલ કરવા માટે ચીન ઈચ્છુક છે. કારણકે ચીન બ્રિક્સમાં પોતાના સમર્થક દેશોની સંખ્યા વધારીને પોતાનો દબદબો વધારવા માંગે છે. જ્યારે ભારત દ્વારા પાકિસ્તાનની એન્ટ્રીનો વિરોધ થઈ રહ્યો છે.