ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભડક્યું, તહેરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા, ચીનનું આવ્યું નિવેદન
Iran Attack On Militants : પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર ઈરાનની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ભડક્યું છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાનના તહેરાનમાં હાજર પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. પાકિસ્તાને ઈરાનના રાજદૂતને પોતાને ત્યાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત જે હાલ ઈરાનમાં જ છે. તેમણે કહ્યું કે, હાલ તેમને પાકિસ્તાન પરત ફરવાની જરૂર નથી.
જણાવી દઈએ કે, આ પહેલા મંગળવારે ઈરાને બલૂચિસ્તાનમાં કુહે સબ્ઝ નામના વિસ્તારમાં જૈશ અલ-અદલના બે ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા અને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાને બાદમાં આ હુમલાની પુષ્ટિ કરતા બે બાળકોના માર્યા જવા અને ત્રણ ઈજાગ્રસ્ત થયાનો દાવો કર્યો હતો.
ઈરાને શા માટે કર્યા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો?
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈરાનનો આ હુમલો ગત મહિને દક્ષિણ પૂર્વ વિસ્તાર સિસ્તાન-બલૂચિસ્તાનમાં એક ઈરાની પોલીસ સ્ટેશન પર થયેલા ઘાતક હુમલાના જવાબમાં થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. ઈરાની મંત્રી અહમદ વાહિદીએ જૈશ અલ-અદલને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આતંકવાદીઓએ પાકિસ્તાન તરફથી પંજગુરની નજીક હુમલો કર્યો હતો, જે ઈરાનના હાલની સૈન્ય કાર્યવાહીઓની પાછળ એક સંભવિત ષડયંત્રને સંકેત આપે છે.
શું છે જૈશ અલ-અદલ?
જૈશ અલ-અદલની સ્થાપના 2012માં થઈ હતી. ઈરાને આ આતંકવાદી સંગઠન જાહેર કર્યા છે. જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી સંગઠન છે જે ઈરાનના દક્ષિણ પૂર્વ વિસ્તાર સિસ્તાન-બલૂચિસ્તાનથી સંચાલિત થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.
ડિસેમ્બરમાં આ આતંકવાદી સંગઠને સિસ્તાન-બલૂચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 11 પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સિસ્તાન-બલૂચિસ્તાનની બોર્ડર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી જોડાયેલ છે. આ વિસ્તારમાં ઈરાનના સુરક્ષા દળો અને સુન્ની આતંકવાદીઓની સાથો સાથ ડ્રગ તસ્કરોની વચ્ચે સંઘર્ષ થતો રહે છે.
ચીને આપી ઈરાન અને પાકિસ્તાનને સલાહ
ઈરાન અને પાકિસ્તાનના હાલના ઘટનાક્રમો પર હવે ચીનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ચીને બંને દેશોની સંયમ રાખવા કહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, અમે બંને પક્ષોને સંયમ રાખવા, તણાવ અને ઉશ્કેરણી વાળી કોઈ પણ કાર્યવાહીથી બચવા અને શાંતિ અને સ્થિરતા રાખવા માટે કામ કરવા કહ્યું.
તેમણે કહ્યું કે, અમે ઈરાન અને પાકિસ્તાન બંનેને નજીકના પાડોશી સમજીએ છીએ અને બંને મોટા ઈસ્લામિક દેશ છે, તેમાં ઉશ્કેરણીવાળી કરાય્વાહીથી બંને દેશો દૂર રહે. નિંગે કહ્યું કે, ઈરાન અને પાકિસ્તાન બંને જ ચીનના નજીકના છે અને શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય છે.