'કાશ્મીર મુદ્દે અમે 10 યુદ્ધ લડી લેવા તૈયાર...' પાકિસ્તાની આર્મીના વડા મુનીરની ડંફાસ
Pakistan News | પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને કાશ્મીર સહિતના બધા જ મુદ્દાઓ વાટાઘાટોથી ઉકેલવાની વાત કરી છે. આવા સમયે પાકિસ્તાનના આર્મી વડા અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે 10 યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી છે. આ સાથે લશ્કર-એ-તોયબાના સુપ્રીમો હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ લાહોરમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
આતંકવાદની નિકાસ કરવા મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ગયું છે અને સતત આર્થિક સંકડામણને પગલે કંગાળ થઈ ગયું છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ આક્રમક વલણ દર્શાવતા યુદ્ધની ધમકી આપી છે. મુનીરે કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય પણ કાશ્મીર મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નહીં થાય. કાશ્મીર માટે પાકિસ્તાનનું સૈન્ય ભારત સાથે 10 યુદ્ધ લડવા તૈયાર છે. ભારતની સૈન્ય શક્તિથી પાકિસ્તાન પહેલાં પણ નહોતું ડર્યું અને આગળ પણ નહીં ગભરાય.
જનરલ મુનીરે કહ્યું કે, કાશ્મીરના લોકો સાથે એકતા દર્શાવતા પાકિસ્તાન પૂરી તાકાતથી તેમની સાથે ઊભું રહેશે. પાકિસ્તાન સૈન્ય કાશ્મીર માટે પહેલાં જ ત્રણ યુદ્ધ લડી ચૂક્યું છે. વધુ 10 યુદ્ધ લડવા પડે તો પણ પાકિસ્તાન લડશે. કાશ્મીર પાકિસ્તાનની 'શાહ' નસ છે. આ એવી નસ છે જે કપાઈ જાય તો મોત થઈ જાય. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા મુનીરે કહ્યું કે, ભારતના અત્યાચાર અને વધતું હિન્દુત્વ કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના સંઘર્ષને વધુ મજબૂત કરે છે.
દરમિયાન લાહોરમાં એક રેલીમાં લશ્કર-એ-તોયબાના સુપ્રીમો હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું કે, અમે કાશ્મીરને આઝાદ કરાવીને રહીશું. તલ્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તીખાના શેતાન કહ્યા અને કહ્યું કે, હું મોદીને ચેતવણી આપવા માગું છું કે કાશ્મીર મુસ્લિમોનું છે અને અમે કાશ્મીર તમારી પાસેથી આંચકી લઈશું.
આ સાથે પાકિસ્તાન પીઓકેમાં પણ ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારત વિરોધી સંમેલન કર્યું હતું, જેમાં હમાસના નેતાઓ જોડાયા હતા. આ સંમેલનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના આતંકીઓએ હમાસના આતંકીઓનું વીઆઈપી વેલકમ કર્યું હતું. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હમાસના નેતા લક્ઝરી એસયુવીથી રાવલકોટના શહીદ સબીર સ્ટેડિયમમાં જઈ રહ્યા છે. આ એસયુવીની આગળ પાછળ બાઈક અને ઘોડા પર જૈશ અને તોયબાના આતંકી જોવા મળી રહ્યા છે.
અન્ય એક વીડિયોમાં જૈશ અને તોયબાના આતંકીઓને પેલેસ્ટાઈનના ઝંડા સાથે બાઈક અને ઘોડા પર જોઈ શકાય છે. હમાસના નેતા ત્યાં પહોંચતા જ તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે. પીઓકેમાં હમાસના આતંકીઓનો વીડિયો સામે આવતા ભારતીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વધુમાં આ વીડિયોએ ભારત વિરુદ્ધ જૈશ, તોયબા અને હમાસની સાંઠગાંઠ ખુલ્લી પાડી દીધી છે.
પીએમ શરીફનો શાંતિ પ્રસ્તાવ વચ્ચે ફરી 'કાશ્મીર રાગ'
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વખત ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. જોકે, આ સાથે તેમણે કાશ્મીરના લોકો પ્રત્યે તેમનું અટૂટ સમર્થન પણ દર્શાવ્યું છે. શાહબાઝ શરીફે 'કાશ્મીર એકતા દિવસ'ના પ્રસંગે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ની વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું હતું. પાકિસ્તાન કાશ્મીરીઓ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે પ્રત્યેક વર્ષે આ દિવસને કાશ્મીર એકતા દિવસ તરીકે મનાવે છે. શાહબાઝ શરીફે કહ્યું કે, ભારતે ૫ ઑગસ્ટ, ૨૦૧૯ની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને કરેલા વચનો પૂરા કરવા જોઈએ તથા વાતચીત શરૂ કરવી જોઈએ. ભારત અને પાકિસ્તાન માટે તેમના તણાવપૂર્ણ સંબંધો સુધારવાની એકમાત્ર રીત વાતચીત છે.