સં.રા.ની મહાસમિતિમાં પાકે ફરી કાશ્મીર મુદ્દો ચગાવ્યો : ભારતે તેનો તડતડતો ઉત્તર આપ્યો
- 'બનાવટ તેના છેલ્લાં તળીયે પહોંચી છે' : ભારત
- જે દેશે 1971માં અમાનવીય હત્યાકાંડ કર્યો, જેણે ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો, જે દેશ ત્રાસવાદીઓનું ગઢ બની રહ્યો છે તેને વિશ્વની સૌથી મોટી લોકશાહીને કહેવોનો અધિકાર નથી
સં.રા : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાના ૭૯માં અધિવેશનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પાકિસ્તાનની 'પરંપરા' પ્રમાણે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા પછી તેના ઉત્તર આપવાના અધિકારનો ઉપયોગ કરી સંયુક્ત રાષ્ટ્રો સ્થિત ભારતના રાજદૂત ભાવિકા મંગલાનંદને તેનો તડતડતો ઉત્તર આપતાં કહ્યું હતું કે, 'બનાવટ તેના છેલ્લાં તળીયે પહોંચી ગઈ છે.'
તેઓએ કહ્યું કે જે દેશ સ્થાપના સમયથી આજ સુધી લશ્કર દ્વારા જ શાસિત રહ્યો છે જે દેશ ત્રાસવાદને આશ્રય આપવા માટે અને વિદેશોમાં પણ આતંકવાદ ફેલાવવા માટે દુનિયાભરમાં કુખ્યાત બની ગયો છે. તે દુનિયાની સૌથી વિશાળ લોકશાહી ઉપર પ્રહારો કરવાની હિંમત કરે છે.
તેઓએ આગળ કહ્યું, 'મને ખેદ થાય છે કે મહાસભામાં આજે (શુક્રવારે) સવારે અર્થહીન અને આંચકાજનક વાત સાંભળવી પડી. દુનિયા આખી જાણે છે કે, પાકિસ્તાન તેના પાડોશી દેશ સામે 'ક્રોસ-બોર્ડર-ટેરરિઝમ' ફેલાવે છે. તે તેનું શસ્ત્ર છે. તેણે મુંબઈની માર્કેટો ધ્વસ કરી ભારતનાં આર્થિક પાટનગરનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. ભારતનાં યાત્રાધામોનો પણ નાશ કરવાનો તેના આતંકીઓએ પ્રયત્ન કર્યો હતો. આની યાદી તો ઘણી લાંબી થાય તેમ છે.' આવો દેશ જ્યારે અન્ય સ્થળે હિંસા થતી હોવાની વાત કરે ત્યારે બનાવટ તેની છેલ્લી કક્ષાએ પહોંચી ગઈ હોય તેવું લાગે છે. જે દેશ ચૂંટણીમાં ગોલમાલ અંગે કુખ્યાત છે તે વળી વિશ્વની સૌથી મોટી લોકશાહીને પાઠ ભણાવવા ચાલે છે.
ભાવિકા મંગલાનંદને આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેનું 'ક્રોસ બોર્ડર ટેરરિઝમ' દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પાડવા પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં થયેલું જબ્બર મતદાન પાકિસ્તાનને સાચો જવાબ છે.
ભારતનાં રાજદૂતે આ પછી પાકિસ્તાન પર ધારદાર હુમલો કરતાં કહ્યું હતું કે, 'જે દેશે ૧૯૭૧માં (તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં) અમાનવીય હત્યાકાંડ કર્યો, જે દેશે ઓસામા-બિન-લાદેનને આશ્રય આપ્યો, જે દેશ દુનિયાભરના ત્રાસવાદીઓ માટેનું આશ્રય સ્થાન બની રહ્યો છે, તેની આપણે વાત કરી રહ્યાં છીએ. તેની કાર્યવાહીઓએ તો દુનિયાભરના ત્રાસવાદીઓને ત્યાં આકર્ષ્યા છે.'