પાકિસ્તાની રેલવે પાસે કર્મચારીઓને પગાર કરવાના પણ પૈસા નથી, 2 નવેમ્બરથી હડતાળની ચીમકી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
પાકિસ્તાની રેલવે પાસે કર્મચારીઓને પગાર કરવાના પણ પૈસા નથી, 2 નવેમ્બરથી હડતાળની ચીમકી 1 - image

image : twitter

ઈસ્લામાબાદ,તા.31.ઓક્ટોબર.2023

પાકિસ્તાનની કંગાળ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. ભીખ માંગીને પાકિસ્તાને પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં થોડો વધારો તો કર્યો છે પણ વાસ્તવિક સ્થિતિ તો અલગ જ છે.

એક તરફ ફ્યુલના અભાવે પાકિસ્તાનની એરલાઈનને પોતાની સેંકડો ફ્લાઈટો રદ કરવી પડી છે તો બીજી તરફ રેલવેની હાલત પણ સારી નથી. પાકિસ્તાની સરકાર પાસે રેલવે કર્મચારીઓને પગાર આપવાના પણ પૈસા  નથી. સપ્ટેમ્બરમાં હજારો રેલવે કર્મચારીઓને પગાર નહીં મળ્યો હોવાથી હવે કર્મચારીઓએ ટ્રેનોનુ સંચાલન રોકી દેવાની અને હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે.

કર્મચારીઓએ પગાર માટે બે નવેમ્બર સુધીનુ અલ્ટીમેટમ આપ્યુ છે. એ પછી આ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. તાજેતરમાં કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ. પાકિસ્તાનની અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાની રેલવેના ટ્રેન ડ્રાઈવર એસોસિસેશનના એક  હોદ્દેદારે કહ્યુ હતુ કે સિનિયર અધિકારીઓએ બે નવેમ્બર સુધીમાં પગાર થઈ જશે તેવી ખાતરી આપી છે. જોઈએ છે કે આ ખાતરી પૂરી થાય છે કે નહી...જો બે નવેમ્બર સુધીમાં સેલેરી નહીં મળે તો અમે ચક્કાજામ કરીશું. આ અમારૂ આખરી અલ્ટીમેટમ છે. એ પછી હડતાળ નહીં રોકાય.

પાકિસ્તાની રેલવેના ઉચ્ચાધિકારી શાહિદ અજીજનુ કહેવુ છે કે, રેલવે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. રેલવેને 35 અબજના બેલઆઉટ પેકેજની જરૂર છે. આ પૈકી માત્ર પગાર માટે જ પાંચ અબજ રૂપિયા રેલવેને જોઈએ છે. વિભાગને ટ્રેકના રિપેરિંગ તથા બીજી કામગીરી માટે 10 અબજ રૂપિયાની જરૂરિયાત છે.

પાકિસ્તાની એરલાઈનને તો પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીઆઈએની આવકમાં પણ ફ્લાઈટો રદ થવાના કારણે 70 ટકાનો ઘટાડો થયો છે અને હવે રેલવેનો વારો આવ્યો છે.


Google NewsGoogle News