હિન્દુ અને જૈન ધર્મના લોકો મંદિરોના દર્શન માટે જઈ શકશે પાકિસ્તાન: સિંધમાં કરતારપુર જેવો કોરિડોર બનાવવા તૈયારી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
હિન્દુ અને જૈન ધર્મના લોકો મંદિરોના દર્શન માટે જઈ શકશે પાકિસ્તાન: સિંધમાં કરતારપુર જેવો કોરિડોર બનાવવા તૈયારી 1 - image


Kartarpur Corridor: પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રવાસનને પ્રોત્સાહન આપવા તૈયારીઓ કરી રહ્યું છે. જેથી હવે પાકિસ્તાન ભારતના હિન્દુઓ અને જૈન પ્રવાસીઓને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે.  પાકિસ્તાનના એક પ્રાંતીય મંત્રીએ ભારતની સરહદે આવેલા સિંધ પ્રાંતના વિસ્તારોમાં કરતારપુર જેવો ધાર્મિક કોરિડોર ખોલવાનો વિચાર રજૂ કર્યો છે. 

સિંધના પ્રવાસન મંત્રીએ મુક્યો પ્રસ્તાવ 

ધાર્મિક કોરિડોર ખોલવાનો હેતુ એ છે કે તેના દ્વારા હિન્દુ અને જૈન ધર્મના લોકો પાકિસ્તાનમાં તેમના ઐતિહાસિક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. સિંધના પ્રવાસન મંત્રી ઝુલ્ફીકાર અલી શાહે દુબઈમાં સિંધ પ્રાંતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ પ્રસ્તાવ મૂક્યો હતો.

અહીં કોરિડોર બનાવી શકાય છે

પાકિસ્તાનની મોટાભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. શાહે કહ્યું કે આ કોરિડોર ઉમરકોટ અને નગરપારકરમાં બનવવામાં આવી શકે છે. ઉમરકોટમાં શ્રી શિવ મંદિર આવેલું છે, જે સિંધના સૌથી જૂના હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે તેનું નિર્માણ 2,000 વર્ષ પહેલાં થયું હતું. નગરપારકરમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. 

હજુ સુધી કંઈ નક્કી નથી

સિંધ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પર્યટન મંત્રી ઝુલ્ફીકાર અલી શાહે તેમના વિભાગના અધિકારીઓ સાથે કોરિડોર બનાવવા અંગે ચર્ચા કરી છે પરંતુ હજુ સુધી આ બાબતે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી, આ ફેડરલ સરકારનો વિષય  છે. શાહે ધાર્મિક પ્રવાસીઓની સુવિધા માટે ભારતથી સખ્ખર અથવા લરકાના માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. 

હિન્દુ અને જૈન ધર્મના લોકો મંદિરોના દર્શન માટે જઈ શકશે પાકિસ્તાન: સિંધમાં કરતારપુર જેવો કોરિડોર બનાવવા તૈયારી 2 - image


Google NewsGoogle News