દેશ આર્થિક મુસિબતો સામે ઝઝૂમી રહ્યો હોવાથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી પગાર નહીં લે
ઈસ્લામાબાદ,તા.13.માર્ચ.2024
પાકિસ્તાનમાં નવ નિયુક્ત રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પગાર નહીં લેવાની જાહેરાત કરી છે. રવિવારે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળનારા ઝરદારીએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિને જોતા હું દેશની તિજોરી પર વધારે બોજ નાંખવા માંગતો નથી અને એટલે મેં રાષ્ટ્રપતિ તરીકે પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ દર મહિને 8.46 લાખ રુપિયા પગાર મળે છે .જોકે ઝરદારી માટે તો આ પગાર પણ મામૂલી છે.કારણકે તેઓ પાકિસ્તાનના સૌથી ધનિક નેતાઓ પૈકી એક છે.
ઝરદારીની સાથે સાથે પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીએ પણ દેશની આર્થિક સ્થિતિનો હવાલો આપીને પગાર નહીં લેવાની જાહેરાત કરી છે.નકવીએ કહ્યુ હતુ કે, અત્યારે દેશ સામે અનેક આર્થિક પડકારો છે ત્યારે શક્ય હોય તે રીતે દેશની સેવા કરવા માટે હું અને મારી સરકાર કટિબધ્ધ છે.જેના ભાગરુપે મેં પગાર નહીં લેવાનુ નક્કી કર્યુ છે.
પાકિસ્તાન પરનુ આર્થિક સંકટ યથાવત છે.પાકિસ્તાને આઈએમએફ પાસે બેલ આઉટ પેકેજનો વધુ એક હપ્તો લેવાનો છે. બીજી તરફ નવી બનેલી સરકાર પાકિસ્તાનની ઈકોનોમીમાં કેવી રીતે સુધારો કરશે તેનો કોઈ નક્કર રોડ મેપ હજી સુધી તો જાહેર થયો નથી.