રામ-મંદિર પર ફરી પાકિસ્તાને ઝેર ઓક્યું યુનોમાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો
- સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના દૂત મુનીર અકરમે 'શાંતિની સંસ્કૃતિ' અંગે મહાસભામાં કાશ્મીર, સીએએ અને રામમંદિર અંગે બેફામ ટિપ્પણીઓ કરી
સંયુક્ત રાષ્ટ્ર : પાકિસ્તાને ભારત વિરૂદ્ધ સતત ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું છે. યુનોમાં તેણે ફરી અનેકવાર રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, તેને એવો જડબાંતોડ જવાબ ભારતનાં કાયમી રાજદૂત રૂચીરા કેમ્બોજે આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ છે, તેઓએ પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે આપેલાં પ્રવચનને હાનીકારક અને વિનાશક જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે દરેક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પાકિસ્તાનનો 'ટ્રેક રેકોર્ડ' સંદિગ્ધ જ રહ્યો છે.
યુનોની મહાસભામાં બોલતાં મુનીર અકરમે 'શાંતિની સંસ્કૃતિ' ઉપર કરેલાં સંબોધનમાં કાશ્મીર, સીટીઝનશિપ (એમેઝમેન્ટ) એક્ટ, (સી.એ.એ) અંગે ભારત વિરૂદ્ધ ઉગ્ર ટીકાઓ કરી હતી. તે સામે ભારતનાં પ્રવચનનો જવાબ આપવાના ભારતના સત્તાવાર અધિકારનો ઉપયોગ કરતાં કમ્બોજે કહ્યું કે, 'અમે છેલ્લી વખત કહેવા માંગીએ છીએ કે જ્યારે આપણે સર્વે અને રચનાત્મક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ ત્યારે તે ટીકાઓથી મુખ ફેરવીને તેમણે જે વિકલ્પ હાથ ધર્યો છે તેમાં માત્ર મર્યાદાનો અભાવ જ દેખાતો નથી, પરંતુ પાકિસ્તાન તેની વિનાશકારી અને હાનીકારક પ્રકૃતિને લીધે આપણા સામુહિક પ્રયાસોમાં પણ અંતરાયો ઉભા કરે છે.'
આ રીતે પાડોશી દેશ ઝઘડાનાં બીજ રોપે છે. શત્રુતા ઉભી કરે છે, અને સન્માન તથા સદ્ભાવને કમજોર કરે છે. સભ્ય દેશો જો ખરેખર શાંતિ અને સંસ્કૃતિને આગળ ધપાવવા માંગે તો આપણે સર્વેએ એક સાથે મળી તે માટે સક્રિય રીતે કામ કરવું અનિવાર્ય છે.
કેમ્બોજે કહ્યું : 'દુનિયાએ ભૂ-રાજકીય તણાવ અને અસમાન વિકાસ વિશ્વ સામેના મુખ્ય પડકારો છે. તેનો એક થઈ સામનો કરવાની જરૂર છે. ભારત માત્ર હિન્દુ, બૌદ્ધ, જૈન અને શિખ ધર્મનું જન્મ સ્થાન નથી, પરંતુ ઈસ્લામ, યહૂદી, ઈસાઈ અને પારસી ધર્મોનો પણ ગઢ છે. ધર્મના આધારે શિકાર બનેલા લોકો માટે ઐતિહાસિક રીતે શરણ સ્થળ છે.'