પાકિસ્તાનમાં ચૂંટણી બાદ ખેલ થઈ ગયો, PM અને રાષ્ટ્રપતિ તરીકે ચોંકાવનારા નામ જાહેર
image : Twitter |
Pakistan Election 2024 | પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીની વિશ્વસનીયતા સામે ઊઠી રહેલા સવાલો વચ્ચે નવા વડાપ્રધાન કોણ બનશે તે અંગે નામ લગભગ ફાઈનલ કરી લેવાયું છે. આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આવી સ્થિતિમાં દેશમાં પીએમએલ-એનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર રચાશે. પણ, ખાસ વાત એ છે કે પીએમએલ-એનના ટોચના નેતા નવાઝ શરીફ અને બીજી સૌથી મહત્વપૂર્ણ પાર્ટી પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન પદ મળી રહ્યું નથી.
... તો કોણ બનશે વડાપ્રધાન?
માહિતી અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના પ્રમુખ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન પદ માટે પાર્ટી દ્વારા નોમિનેટ કરાયા હતા. PML-Nના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે 'X' પર કહ્યું કે પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફ (74)એ તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ (72) ને વડાપ્રધાન પદ માટે અને પુત્રી મરિયમ નવાઝ (50)ને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે.
PML-Nના પ્રવક્તાએ આપી માહિતી
નવાઝ શરીફની પાર્ટીના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પીએમએલ-એનને આગામી સરકાર રચવામાં સમર્થન આપનાર રાજકીય પક્ષોનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવા નિર્ણયો પાકિસ્તાનને સંકટમાંથી બહાર લાવશે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સિવાય તમામ પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ પીએમએલ-એનના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર રચવા તૈયાર છે.
ઝરદારી રાષ્ટ્રપતિ બનશે!
આ પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પીપીપીના અધ્યક્ષ ઝરદારી (68)એ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા બિલાવલે કહ્યું કે તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના વડાપ્રધાન પદ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉમેદવારને સમર્થન આપશે.