‘ભારતને ન હરાવું તો મારું નામ બદલી નાખજો...’, કંગાળ પાકિસ્તાનના PM શરીફનું હાસ્યાસ્પદ નિવેદન, સોગંદ પણ ખાધા
Pakistan PM Shehbaz Sharif on India : કંગાળ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે ભારત અંગે હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે. શરીફે પીઓકેના મુઝફ્ફરબાદમાં રેલીને સંબોધન કરતા કહ્યું કે, ‘હું ભારતને ન હરાવું તો મારું નામ બદલી નાખજો.’ જોકે પાકિસ્તાનના વડાપ્રધાન યુદ્ધ માટે નહીં, પરંતુ દેશના વિકાસ મુદ્દે આવું બોલ્યા છે.
શરીફે પાકિસ્તાનને મહાન દેશ બનાવવાના સોગંદ ખાધા
શરીફે કહ્યું કે, ‘જો પ્રગતિ મામલે પાકિસ્તાન ભારતથી આગળ ન નીકળે, તો મારું નામ શાહબાજ શરીફ નહીં રહે.’ હજારો લોકો ઉપસ્થિતમાં યોજાયેલી રેલીમાં શરીફ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો અને પાકિસ્તાનને વર્તમાન પડકારોમાંથી બહાર કાઢી, મહાન દેશ બનાવવાનો સોગંદ ખાધા હતા.
આપણે ભારતથી ઘણા આગળ નીકળી જઈશું : શરીફ
તેમણે કહ્યું કે, ‘આપણે પાકિસ્તાનને એક મહાન રાષ્ટ્ર બનાવીશું અને ભારતથી ઘણા આગળ નીકળી જઈશું.’ પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, વડાપ્રધાન શાહબાજ શરીફે આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે, પાકિસ્તાનનું ભવિષ્ય મહાનતા માટે બન્યું છે. તેમણે દેશને સમૃદ્ધિ તરફ લઈ જવાનું પણ વચન આપ્યું છે.
‘અમારી સરકાર બન્યા બાદ મોંઘવારી ઘટી’
પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, ‘મારા નેતૃત્વમાં પાકિસ્તાન દેવા પર નિર્ભર રહેવાના બદલે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. તેમણે તાજેતરમાં જ દેશમાં મોંઘવારીમાં થયેલા ઘટાડા તરફ ઈશારો કરીને દાવો કર્યો છે કે, ‘જ્યારે દેશમાં અમારી સરકાર બની, ત્યારે મોંઘવારી 40 ટકા હતી અને હવે તે ઘટીને બે ટકા પર આવી ગઈ છે.’
આ પણ વાંચો : ઈટાલીના વડાંપ્રધાન મેલોનીએ PM મોદીનું નામ લઈને લેફ્ટ પર કર્યા પ્રહાર, જુઓ શું કહ્યું