Get The App

જાફર એક્સપ્રેસ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 21 મુસાફરોની હત્યા, ટ્રેન હાઇજેક કરનારા તમામ 33 બલૂચ બળવાખોરો ઠાર

Updated: Mar 12th, 2025


Google News
Google News
જાફર એક્સપ્રેસ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 21 મુસાફરોની હત્યા, ટ્રેન હાઇજેક કરનારા તમામ 33 બલૂચ બળવાખોરો ઠાર 1 - image


Train Hijack : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઈજેક કરવાની ઘટના અંગે મોટા અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસિઝ રિલેશન્સ (ISPR)ના મહાનિદેશક અહમદ શરીફ ચૌધરીએ કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાના એરફોર્સ, ફ્રન્ચિયર કોર અને સ્પેશ્યલ સર્વિસ ગ્રૂપ (SSG)ના સંયુક્ત ઓપરેશન હેઠળ ટ્રેન હાઈઝેક કરનારા 33 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષીત બચાવી લેવાયા છે. જોકે આ ઘટનામાં 21 મુસાફરોના મોત થયા છે. બીજીતરફ પાકિસ્તાન રેડિયોના રિપોર્ટ મુજબ રેસ્ક્યુ ઓપરેશનમાં 190 લોકોને બચાવાયા છે, 37 મુસાફરોને ઈજા થઈ છે.

21 મુસાફરો અને 4 જવાનના મોત

શરીફ ચૌધરીએ પાકિસ્તાન સમાચાર ચેનલને કહ્યું કે, ‘આતંકવાદીઓએ 11 માર્ચે બપોરે એક કલાકે ટ્રેનને હાઈજેક કરી હતી અને તમામ મુસાફરોને બંધક બનાવી લીધા હતા. પાકિસ્તાની સેનાએ કરેલા રેસ્ક્યુ ઓપરેશનમાં તમામ બંધકોને તબક્કાવાર બચાવી લેવાયા છે. જોકે ઘટનામાં 21 મુસાફરો અને ચાર જવાનોના મોત થયા છે. બીજીતરફ બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે, તેણે 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

100 મુસાફરોને માર્યો હોવાનો BLA કર્યો હતો દાવો

આ પહેલા સમાચાર એજન્સી AFP સાથે વાતચીતમાં એક સેના અધિકારીએ કહ્યું હતું કે, 27 નોન-ડ્યૂટી સૈનિકોની ટ્રેનમાં જ હત્યા કરી દેવાઈ, જ્યારે એક સૈનિક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. બીજી તરફ BLA દાવો કરી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 100 મુસાફરો માર્યા ગયા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઘટનાની નિંદા કરી

જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્રેન હાઇજેકની નિંદા કરી છે અને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. શાહબાઝે એમ પણ લખ્યું છે કે, સેનાએ કાર્યવાહી કરી છે અને ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલી દીધા છે. શહબાઝ શરીફે 'X' પર લખ્યું છે કે, 'મેં મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે વાત કરી, જેમણે મને જાફર એક્સપ્રેસ પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના હાલના ઘટનાક્રમો અંગે માહિતી આપી. આ કાયરતાપૂર્ણ કૃત્યથી આખો દેશ ઘેરા આઘાતમાં છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી દુઃખી છે. આવા કાયર કૃત્યો પાકિસ્તાનના શાંતિ માટેના સંકલ્પને ડગમગાવી શકશે નહીં.'

'આતંકવાદીઓને જહન્નુમમાં મોકલવામાં આવ્યા'

પાકિસ્તાનના પીએમએ પોસ્ટમાં લખ્યું છે કે, 'હું શહીદોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને જન્નમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે. ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમ(નર્ક)માં મોકલવામાં આવ્યા છે.'

190 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા: પાકિસ્તાન

બુધવારે બલૂચિસ્તાનમાં બલૂચ લડવૈયાઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ ઘટનાને લગભગ 30 કલાક વીતી ગયા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેમણે 190 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ ઘટનામાં બલૂચ લિબરેશન આર્મીના 70-80 આતંકીઓ સામેલ હોવાનું કહેવાય છે.

અત્યાર સુધીમાં 100 મુસાફરો માર્યા ગયા છે: BLA

બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા જારી કરાયેલા તાજેતરના નિવેદન અનુસાર, તેઓએ અત્યાર સુધીમાં 100 મુસાફરોને મારી નાખ્યા છે. BLA કહે છે કે પાકિસ્તાની સેનાના હુમલા બાદ (મુસાફરોને બચાવવાના પ્રયાસમાં) તેણે આ પગલું ભર્યું છે. BLA માંગ કરે છે કે પાકિસ્તાન સરકાર આગામી 24 કલાકની અંદર બલૂચ જવાનોને મુક્ત કરે. BLAએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેના બલુચિસ્તાનના લોકો પર ત્રાસ ગુજારે છે.

Tags :
pakistantrain-hijack

Google News
Google News