'તાલિબાનનો વિનાશ કર્યા વિના આપણે આગળ નહીં વધી શકીએ', પાક. PMનું મોટું નિવેદન
Pakistan-Afghanistan : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાછલા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર વધી રહેલા તણાવ અને હિંસક ઘટનાઓ વચ્ચે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોટું નિવેદન આપ્યું છે. ઈસ્લામાબાદમાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (SIFC)ની સમિતિના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, 'તાલિબાનનો વિનાશ કર્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી.'
અફઘાનિસ્તાનના હુમલાનો ઉલ્લેખ કર્યો
આ દરમિયાન તેમણે તાજેતરમાં તાલિબાનો દ્વારા પાકિસ્તાનના સૈનિકોની હત્યા કરવાના મામલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'દરરોજ કોઈને કોઈ ઘટના બને છે. પછી તે 10 અધિકારી હોય કે પાંચ અધિકારી હોય, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ કે આર્મીના જવાનોની શહાદત એ સૌથી મોટું બલિદાન છે. આપણે માત્ર તેમનું સન્માન જ નહીં કરવું જોઈએ, પરંતુ દેશને એ પણ બતાવવું જોઈએ કે તાલિબાની રાક્ષસને હરાવવાનું એ અમારું મુખ્ય લક્ષ્ય છે.'
શું છે વિવાદ?
તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બર 2024ના રોજ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં અનેક સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ હવાઈ હુમલાઓ પાકિસ્તાને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના અડ્ડાઓને ખતમ કરવા માટે કરાયા હતા. આ હુમલાને અફઘાનિસ્તાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે પછી, 28 ડિસેમ્બરે તાલિબાનોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓ પર હુમલા કર્યા હતા અને 16 પાકિસ્તાની સૈનિકો માર્યા હતા.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બગડતા સંબંધો
આ હિંસા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ઉજાગર કરે છે. બંને દેશોએ એકબીજા પર સરહદ પારના આતંકવાદ માટે જવાબદાર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ પાયમાલ થયેલા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, તિજોરી ખાલી થતાં જોઈને સૈનિકોને આપ્યો ઝટકો
TTP પાકિસ્તાન માટે કેવી રીતે મોટો ખતરો બન્યો?
ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાન માટે એક ગંભીર પડકાર અને ખતરા તરીકે ઉભરી આવ્યું છે. આ બદલાવથી TTPને ફરી એકઠું થવાની અને મજબૂત બનવાની તક મળી, જેના પછી પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ વધુ તીવ્ર બન્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં TTPએ પાકિસ્તાનમાં 1200થી વધુ હુમલા કર્યા છે.
TTPનો હેતુ શું છે?
TTPનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની સરકારને ઉથલાવી દેવાનો અને શરિયા કાયદાની તેની વિચારધારાના આધારે ઇસ્લામિક અમીરાત બનાવવાનો છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તે આત્મઘાતી હુમલા અને ટાર્ગેટ કિલિંગ જેવી હિંસક ઘટનાઓને પણ અંજામ આપી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની સરકાર પરેશાન છે.