પાકિસ્તાનમાં મોટો નરસંહાર, બસમાંથી ઉતારીને આઇડી ચેક કર્યા અને 23 લોકોને ગોળી ધરબી દીધી
Pakistan Passengers Killed in Balochistan: આજે સવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનના મુસાખૈલ જિલ્લામાં મોટો હુમલો થયો છે. અહીં બંદૂકધારી હુમલાખોરોએ 23 મુસાફરોને બસમાંથી ઉતારી દીધા અને ગોળીઓથી ઠાર કરી દીધા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, આજે સવારે બનેલી આ ઘટનામાં સશસ્ત્ર હુમલાખોરોએ ટ્રક અને બસમાંથી મુસાફરોને નીચે ઉતાર્યા અને પાકિસ્તાની પંજાબના લોકોની ઓળખ કરી અને તેમને ગોળી મારી દીધી હતી.
પાકિસ્તાની પંજાબના લોકોની ઓળખ કરી અને તેમને ગોળી મારી દીધી
મુસાખૈલના આસિસ્ટન્ટ કમિશ્નર નજીબ કાકરના જણાવ્યા અનુસાર, 'સશસ્ત્ર હુમલાખોરોએ રારાશમ વિસ્તારમાં ઇન્ટર-સ્ટેટ હાઇવે પર રસ્તો બ્લોક કરી દીધો હતો. આ પછી, તેઓએ બસો અને ટ્રકોને રોકીને મુસાફરોની ઓળખ કરવાનું શરુ કર્યું હતુ.જેમાં પંજાબના મુસાફરોને ઓળખીને તેમને ગોળી મારી દીધી હતી.'
કાકરે વધુમાં જણાવ્યું કે, 'હથિયારબંધ લોકોએ 10 વાહનોને પણ આગ લગાવી દીધી હતી. હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા. મૃતકોમાંથી 3 બલૂચિસ્તાનના અને બાકીના પંજાબના હતા.'
આ પણ વાંચો: કોમરેડ કમલા vs કિમ કા દીવાના ટ્રમ્પ... ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મીમ્સની બોલબાલા
બલૂચ લિબરેશન આર્મી હુમલાની આશંકા
અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારી હામિદ ઝેહરીએ પણ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેણે આ ઘટના પાછળ આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી(BLA)ના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ હત્યાકાંડની નિંદા કરી છે તેમજ માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે બલૂચિસ્તાન સરકાર, પોલીસ અને સેના હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓનો સજા આપશે.
2015માં પણ આવી જ એક ઘટના ઘટી હતી
વર્ષ 2015માં પણ તુર્બત નજીક એક મજૂર શિબિર પર વહેલી સવારે બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 20 મજૂરોના મોત થયા હતા, જ્યારે ત્રણ મજૂરો ઘાયલ થયા હતા. તે તમામ પીડિતો સિંધ અને પંજાબના હતા.