મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્રનુ અપહરણ, મોસ્ટ વોન્ટેડ આતંકી આંસુ સારી રહ્યો છે

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્રનુ અપહરણ, મોસ્ટ વોન્ટેડ આતંકી આંસુ સારી રહ્યો છે 1 - image

image : twitter

પેશાવર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

મુંબઈ પરના આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી હાફીઝ સઈદ આજકાલ પાકિસ્તાનમાં ચોધાર આંસુએ રડી રહ્યો છે. 

હાફીઝનો 26 વર્ષનો પુત્ર કમાલુદ્દીન સઈદ  26 સપ્ટેમ્બરથી ગાયબ છે અને તેનો કોઈ અતોપતો નથી. એવુ કહેવાય છે કે, છેલ્લે તે પેશાવરમાં જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વ્યક્તિઓ એક કારમાં આવ્યા હતા અને તેને ઉઠાવીને જતા રહ્યા હતા. 

પાકિસ્તાનના કેટલાક સિનિયર પત્રકારોનો પણ દાવો છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી. એવુ કહેવાયુ છે કે, પુત્રના અપહરણ બાદ હાફીઝ સઈદની દશા બગડી ગઈ છે. તે સતત રડયા કરે છે. 

હાલમાં હાફીઝ જેલમાં છે. તે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તોઈબાનો વડો છે. જેને યુએનની સાથે સાથે બીજા ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કરેલુ છે. અમેરિકાએ હાફીઝ પર 10 મિલિયન ડોલરનુ ઈનામ રાખેલુ છે. તે 2019થી જેલની ચાર દિવાલો વચ્ચે છે. સઈદ અન્ય એક આતંકી સંગઠન પણ ચલાવે છે. જેનુ નામ જમાત ઉદ દાવા છે. 

આઈએસઆઈ એમ પણ પાકિસ્તાનમાં આતંકીઓની થઈ રહેલી હત્યાઓથી પરેશાન છે. તાજેતરમાં કરાચીમાં મૌલવી મૌલાના જિયાઉર્રરહેમાનની બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીઓ મારીને હત્યા કરી હતી. રહેમાન લશ્કર એ તોઈબા માટે કામ કરતો હતો. આ પહેલા પીઓકેમાં પણ લશ્કરના એક આતંકી અબુ કાસિમને ઢાળી દેવાયો હતો. 


Google NewsGoogle News