પવિત્ર કુરાનનું અપમાન કરતાં ભીડે પોલીસ સ્ટેશનમાં કરી આગચંપી, આરોપીને જીવતો જ સળગાવ્યો
કુરાન ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ કહેવાય છે કારણકે અલ્લાહે પોતેજ મહંમદ થકી આ પુસ્તક લખાવ્યું હોવાનું મનાય છે પરંતુ અલ્લાહે જ લખેલા આ પવિત્ર પુસ્તકનું જ્યારે કોઇ અપમાન કરે ત્યારે કોઇ પણ વ્યક્તિ તેને સહન નથી કરી શકતુ.
આવી જ એક ઘટના પાકિસ્તાનથી સામે આવી છે. આ ઘટનામાં આરોપીએ કુરાનના કેટલાક પાના કથિત રીતે સળગાવી દીધા હતા. વાયુવેગે આ સમાચાર પ્રસરતા તપાસ એજન્સીઓએ આરોપીની ધરપકડ કરી છે પરંતુ ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ કસ્ટડીમાંથી આરોપીને બહાર લાવીને પોલીસ સ્ટેશનને જ આગ લગાવી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે ભીડે આરોપીને બહાર કાઢીને ગોળી મારીને તેની લાશને લટકાવી દીધી હતી.
શું છે સમગ્ર ઘટના ?
સ્વાત (Swat) જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) જહિદુલ્લાએ કહ્યું કે, પંજાબના સિયાલકોટના એક વ્યક્તિએ ગુરુવારે રાત્રે સ્વાતના મદયાન વિસ્તારમાં કુરાનના કેટલાક પાના કથિત રીતે સળગાવી દીધા હતા. જહિદુલ્લાએ કહ્યું કે,શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેને મદાયન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનની બહાર ગુસ્સેથી ભરાયેલી ભીડ એકઠી થઈ ગઇ અને શંકાસ્પદ વ્યક્તિને સોંપવાની માંગ કરી હતી. પોલીસે કાયદો હાથમાં ન લેવા અને આરોપીને સોંપવાનો ઇનકાર કરતા ભીડમાંથી એક વ્યક્તિએ ગોળીબાર કર્યો, જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી. બંને તરફથી થયેલા ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની મદયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાદમાં કેટલાક લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા અને શંકાસ્પદને ગોળી મારી દીધી. ગોળીબાર પછી તેઓ શંકાસ્પદના મૃતદેહને બહાર ખેંચી ગયા અને ત્યાં તેને ફાંસીએ લટાવ્યો હતો. ટોળું અહિંયા જ અટક્યું નહિ, આરોપીને ફાંસી આપ્યા બાદ મૃતદેહને સળગાવી પણ દીધો અને અંતે પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાને કારણે ભડકેલી હિંસામાં 8 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી કેપીકે અલી અમીન ગંદાપુરે આ ઘટનાની નોંધ લીધી છે અને પ્રાંતીય પોલીસ વડા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રીએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કટોકટીના તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો અને લોકોને શાંત રહેવા વિનંતી કરી.