પાકિસ્તાનના આ સૈન્ય ઓપરેશન પછી દુનિયાભરમાં ચર્ચા છેડાઈ, આ ચીનની કમાલ તો નથી ને?

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના આ સૈન્ય ઓપરેશન પછી દુનિયાભરમાં ચર્ચા છેડાઈ, આ ચીનની કમાલ તો નથી ને? 1 - image


Image Source: Twitter

Pakistan Launched A Military Operation Against Terrorists: પાકિસ્તાને દેશના આતંકવાદી જૂથો વિરુદ્ધ સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે, જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે, આ ચીનના દબાણના કારણે કરવામાં આવી રહ્યું છે. સૈન્ય ઓપરેશનને અજ્મ-એ-ઈસ્તેકામ (સ્થિરતાનો સંકલ્પ) નામ આપવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય દેશમાં વધી રહેલી હિંસા અને આતંકવાદ પર લગામ લગાવવાનો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઓપરેશનને દેશના આતંકવાદ વિરોધી એપરેશનને રિવ્યૂ બાદ મંજૂરી આપી છે.

શું છે અજ્મ-એ-ઈસ્તેકામનો હેતુ?

આ ઓપરેશન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખી સ્થાનિક સુરક્ષાના જોખમો અને અફઘાનિસ્તાનથી આવતા ઉગ્રવાદીઓને રોકવામાં માટે ચલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઓફિસ દ્વારા તેની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે તેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધના પ્રયાસોને તેજ કરવામાં આવશે.

આ ઓપરેશનમાં પાકિસ્તાનના લોકોની સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા અને ઉગ્રવાદી પ્રવૃતિઓને રોકતું વાતાવરણ ઊભું કરવા માટે સામાજિક અને આર્થિક પગલાંની પણ વાત કહેવામાં આવી છે.

પાકિસ્તાની પીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ઓપરેશનમાં આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે સૈન્ય, કાયદાકીય અને રાજદ્વારી તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવશે. એક નિવેદનમાં પીએમઓએ કહ્યું કે, સૈન્ય ઓપરેશનને તમામ કાનૂની એજન્સીઓનું સમર્થન પ્રાપ્ત થશે. આતંકવાદીઓના કેસમાં અવરોધિત કરતી ખામીઓને દૂર કરવામાં આવશે અને આતંકવાદીઓને સજા આપવામાં આવશે.

પાકિસ્તાનના આ સૈન્ય ઓપરેશનમાં અફઘાનિસ્તાન આટલું મહત્વપૂર્ણ કેમ છે?

પાકિસ્તાનમાં છેલ્લા 18 મહિનામાં આતંકવાદી ઘટનાઓ અને હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સૌથી મોટો હાથ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો રહ્યો છે. નવેમ્બર 2022માં TTPએ સરકાર સાથે યુદ્ધવિરામ ખતમ કરી દીધો હતો ત્યારબાદથી આતંકવાદી હુમલામાં વધારો થયો છે.

પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન TTPના આતંકવાદીઓને આશ્રય આપે છે પરંતુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ આરોપને નકારી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે, જો પાકિસ્તાન પોતાના સૈન્ય ઓપરેશનને અફઘાનિસ્તાન સુધી લઈ જશે તો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી શકે છે.

ઈસ્લામાબાદ સ્થિત સુરક્ષા વિશ્લેષક ઈસાનુલ્લા ટીપુએ કહ્યું કે, માર્ચ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર TTPના શંકાસ્પદ ઠેકાણા પર હુમલો કર્યો હતો. વિદેશ મંત્રાલયે જાહેરમાં આ વાતની પુષ્ટિ પણ કરી હતી.

ચીનના દબાણના કારણે પાકિસ્તાને ભર્યું આ પગલું

આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2023માં પાકિસ્તાનમાં આતંકવાદી હિંસાની 700 ઘટનાઓ બની હતી જેમાં લગભગ 1000 લોકો માર્યા ગયા હતા. સૌથી વધુ હુમલા ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા અને દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં સરકારી અધિકારીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.

વર્ષ 2024માં પણ આ હુમલા ચાલુ રહ્યા હતા જેનો શિકાર પાકિસ્તાનમાં ચાલી રહેલા ચીનના પ્રોજેક્ટ અને ચીની એન્જિનિયરો પણ બન્યા હતા. માર્ચ મહિનામાં ચીની એન્જિનિયરોના કાફલા પર થયેલા હુમલામાં પાંચ ચીની નાગરિકો અને એક પાકિસ્તાનીનું મૃત્યુ થઈ ગયુ હતું.

પાકિસ્તાનમાં ચીનનો રસ ઘટી રહ્યો

પાકિસ્તાનના મહત્વના સહયોગી ચીને પોતાની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI) હેઠળ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં 62 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. પાકિસ્તાનના પીએમ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આ મહિને ચીનની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા અને તેમની મુલાકાતના મુખ્ય એજન્ડામાં ચીની નાગરિકોની સુરક્ષા પણ સામેલ હતી.

શાહબાઝ શરીફ ચીન એ હેતુથી ગયા હતા કે, તેઓ દેશમાં નિષ્ક્રિય પડેલા ચીની પ્રોજેક્ટ્સ માટે ફંડ લાવી શકે અને એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમની આ મુલાકાત દરમિયાન ચીન અને પાકિસ્તાન વચ્ચે CPEC-2.0 લોન્ચ કરવામાં આવી શકે છે પરંતુ એવું કંઈ ન થયું. ચીને શેહબાઝ શરીફને ખૂબ જ અનિચ્છાએ હોસ્ટ કર્યા અને પાકિસ્તાનના પીએમ ચીનથી લગભગ ખાલી હાથે પાછા ફર્યા.

શેહબાઝ શરીફની આ મુલાકાતથી સ્પષ્ટ થઈ ગયુ કે ચીન હવે પાકિસ્તાનમાં વધુ ફંડનું રોકાણ કરવામાં રસ નથી ધરાવતું પરંતુ તે ઈચ્છે છે કે પાકિસ્તાન પહેલા તેમની સુરક્ષા ચિંતાઓને દૂર કરે. શાહબાઝ શરીફની ચીન મુલાકાત વખતે પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એ જ સંદેશો આપ્યો હતો કે જ્યાં સુધી સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે ત્યાં સુધી CPEC પ્રોજેક્ટ આગળ નહીં વધશે.

સૈન્ય ઓપરેશનની જાહેરાતના ઠીક એક દિવસ પહેલા જ પાકિસ્તાન પહોંચેલા વરિષ્ઠ ચીની અધિકારી લિયુ જિયાનચાઓએ પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી સુરક્ષાની ચિંતાઓ દૂર નહીં થાય ત્યાં સુધી CPEC પર કામ આગળ વધારવામાં નહીં આવશે. 

દિલ્હી સ્થિત થિંક ટેંક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો સુશાંત સરીનનું કહેવું છે કે પાકિસ્તાન ચીનને તેમના નાગરિકોની સુરક્ષાની ખાતરી આપતું રહ્યું પરંતુ આ વિશ્વાસ વારંવાર તૂટતો રહ્યો છે, જેને ધ્યાનમાં રાખતા હવે સમય આવી ગયો કે પાકિસ્તાન આ ભરોસાને જાળવી રાખવા માટે ઠોસ કાર્યવાહી કરે. 

તેમનું કહેવું છે કે, આ સૈન્ય ઓપરેશન માત્ર ચીનને સંતુષ્ટ કરવા માટે જ નહીં પરંતુ TTP, બલૂચ ઉગ્રવાદીઓ અને અન્ય સશસ્ત્ર જૂથોના હુમલાઓને રોકવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, જેને ધ્યાનમાં રાખી તેને વિદેશી અને સ્થાનિક રોકાણની જરૂર છે. પરંતુ રાજકીય અસ્થિરતા અને સુરક્ષાની નબળી સ્થિતિને જોતા પાકિસ્તાનમાં ન તો સ્થાનિક કે ન તો વિદેશી રોકાણકારો રોકાણ કરવા માગે છે. 


Google NewsGoogle News