Get The App

પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયો ઝેરી ધુમાડો, 15000થી વધુ લોકો બિમાર, હૉસ્પિટલો ઉભરાઈ, નાસાએ શેર કરી તસવીર

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયો ઝેરી ધુમાડો, 15000થી વધુ લોકો બિમાર, હૉસ્પિટલો ઉભરાઈ, નાસાએ શેર કરી તસવીર 1 - image


Pakistan News : પાકિસ્તાનના અનેક શહેરોમાં ઝેરી ધુમાડો ફેલાવાના કારણે 15000થી વધુ બિમાર લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. લાહોર સહિત અન્ય શહેરો ઝેરી ધુમાડાની ઝપેટમાં આવતા પાકિસ્તાનમાં આરોગ્ય સંકટ ઊભું થયું છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં 15000થી વધુ લોકો શ્વાસ અને વાયરલ સંક્રમણનો શિકાર થયા છે.

લાહોરની હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

મીડિયા રિપોર્ટ મુજબ લાહોરની હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. અહીં સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા અને છાતીમાં ચેપથી પીડાતા દર્દીઓ સતત આવી રહ્યા છે. લાહોરની મુખ્ય હૉસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યા હોવાથી, ત્યાં મોટું આરોગ્ય સંકટ ઉભુ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. લાહોરની મેયો હૉસ્પિટલમાં 4000થી વધુ, જિન્ના હૉસ્પિટલમાં 3500થી વધુ, ગંગારામ હૉસ્પિટલમાં 3000થી વધુ અને બાળકોની હૉસ્પિટલમાં બે હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે.

ઝેરી ધુમાડાના કારણે વાયરલ રોગો ફેલાયા

પાકિસ્તાનના ડૉક્ટર અશરફ જિયાએ કહ્યું કે, ‘ઝેરી ધુમાડો બાળકો તેમજ પહેલેથી જ અસ્થમા અને હૃદય રોગથી પીડિત દર્દીઓ માટે જીવલેણ બની શકે છે. તેની સૌથી વધુ ગંભીર અસર બાળકો પર પડી રહી છે. ઝેરી ધુમાડાના કારણે ન્યુમોનિયા, ત્વચાના રોગો સહિતના વાયરલ રોગો વધ્યા છે. લાહોરમાં હાલ 10થી વધુ બીમારીઓ ફેલાઈ છે.

સરકારે લગ્નો પર પ્રતિબંધ મૂક્યા

ઝેરી ધુમાડાના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, તો વાહનચાલકો પણ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકાર પણ સફાળી જાગી છે. આ સંકટને નિવારવા માટે સરકારે આકરા નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે. સરકારે લગ્ન સમારંભ યોજવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ટ્રાન્સપોર્ટ વિભાગે પણ નવા નિર્દેશો જાહેર કર્યા છે. બીજીતરફ પંજાબ પ્રાંતમાં શાળાઓ અને કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે.

પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયો ઝેરી ધુમાડો, 15000થી વધુ લોકો બિમાર, હૉસ્પિટલો ઉભરાઈ, નાસાએ શેર કરી તસવીર 2 - image

નાસાએ શેર કરી તસવીર

નાસાએ પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ફેલાયેલા ઝેરી ધુમાડાની તસવીર શેર કરી છે. તસવીર મુજબ ઉત્તર પાકિસ્તાની ઉપર એક મોટા ધુમ્મસનું સ્તર જોવા મળી રહ્યું છે. નાસાના મીડિયમ રિજોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોડિયોમીટર(MODIS)ના જણાવ્યા મુજબ ધુમાડાના કારણે પાકિસ્તાનના અનેક શહેરોમાં એર ક્વોલિટી તદ્દન નબળી પડી ગઈ છે. જ્યારે પંજાબમાં એર ક્લોલિટી ઇન્ડેક્સ 1900 સુધી પહોંચી ગયો છે.


Google NewsGoogle News