પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક: BLAએ 30 પાક. સૈનિકોની કરી હત્યા, સરકારને કેદીઓની અદલા-બદલી માટે આપ્યું અલ્ટીમેટમ
Pakistan Train Hijack: પાકિસ્તાનનો અશાંત વિસ્તાર બલૂચિસ્તાન એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે અહીં બલૂચ લિબરેશન આર્મીના નામના ગ્રૂપે મંગળવારે (11 માર્ચ, 2025) પાકિસ્તાન રેલવેની જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી. આ ગ્રુપે તમામ મુસાફરોને બંધક બનાવવાની જવાબદારી લીધી. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, 182 લોકોને છેલ્લા 6 કલાકથી બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ 30થી વધુ સૈનિકોની હત્યા કરી નાખી છે. તેમણે કેદીઓની અદલા-બદલી માટે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
BLAએ બલૂચ કેદીઓની મુક્તિ માટે પાકિસ્તાન સરકારને 48 કલાકનું આપ્યું અલ્ટીમેટમ
બલુચિસ્તાન લિબરેશન આર્મી તરફથી જાહેર નિવેદનના અનુસાર, BLAના જવાનો સાથે આઠ કલાકની ભયંકર અથડામણ બાદ પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે. BLAએ પાકિસ્તાનના કેદીઓની અદલા-બદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે કહ્યું છે કે, તેઓ બલૂચ કેદીઓ અને જબરદસ્તી ગાયબ કરાયેલા લોકોને તાત્કાલિક અને વગર શરતે મુક્તિની માગ કરે છે. સાથે જ ચેતવણી આપે છે કે, જો તેમની શરતો પૂરી નહીં કરવામાં આવે તો પાકિસ્તાન સરકારને ગંભીર પરિણામ ભોગવવા પડશે.
પાકિસ્તાની સેનાએ હવાઈ ઓપરેશન કર્યું શરુ
પાકિસ્તાની સેના જમીની કાર્યવાહીની સાથોસાથ હવાઈ ઓપરેશન પણ ચલાવી રહી છે. આ દરમિયાન હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
મહિલાઓ, બાળકો અને બલોચ નાગરિકોને છોડી દેવાયા
ટ્રેનમાં અંદાજિત 400થી વધારે મુસાફરો હતા. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, મહિલાઓ, બાળકો અને બલોચ નાગરિકોને મુક્ત કરી દેવાયા છે. જ્યારે પાકિસ્તાની સેના, પોલીસ, ISI અને ATFના જવાનો સહિત 182 લોકોને અત્યાર સુધીમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે.
બલૂચ લિબરેશન આર્મીની ધમકી
બલૂચ લિબરેશન આર્મીએ ફરી એક ધમકી આપી છે કે, જો સેના આ ઓપરેશનમાં ભાગ લેશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ તમામના મોત માટે પાકિસ્તાની સેના જવાબદાર હશે.
BLA તરફથી કથિત રૂપે રજૂ કરવામાં આવેલું એક નિવેદન સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 'જો અમારી સામે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો ટ્રેનમાં હાજર તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.'
સુરક્ષા દળને મોકલવામાં આવ્યા
બલૂચિસ્તાનની સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આખરે BLA એ કેવી રીતે ટ્રેન હાઇજેક કરી લીધી હતી. બલૂચિસ્તાન પ્રાંતના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે, બોલનમાં મસ્કાફના એક વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો છે. ટ્રેનનો ડ્રાઇવર હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરક્ષા દળને હાલ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર પહાડી વિસ્તાર છે અને સુરક્ષા દળ ત્યાં પહોંચી રહ્યા છે.
એક મોટો ધડાકો થયો અને...
મળતી માહિતી મુજબ, બોલન વિસ્તારમાં ટ્રેન ટનલની અંદર પહોંચી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેન સવારે 9 વાગ્યે ક્વેટાથી રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ટનલ નંબર 8માં પહોંચી તો ટ્રેક પર ધડાકો થયો અને ટ્રેન થોભી ગઈ. હુમલાખોરોઐએ ટ્રેનના એન્જિન પર ફાયરિંગ કર્યું હતું જેના કારણે એક ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ક્વેટાથી પેશાવર સુધી ચાલે છે જાફર એક્સપ્રેસ
જાફર એક્સપ્રેસ દરરોજ ક્વેટાથી પેશાવરની વચ્ચે દોડે છે. આ એક પેસેન્જર ટ્રેન છે. આ ટ્રેન રોહરી-ચમન રેલવે લાઇન અને કરાચી-પેશાવર રેલવે લાઇનના એક ભાગ પર મુસાફરી કરે છે અને 1632 કિ.મી(1014 મીલ)નું અંતર કાપે છે. આ અંતર કાપવા માટે ટ્રેનને 34 કલાક 10 મિનિટનો સમય લાગે છે.
આ પણ વાંચોઃ અમેરિકાથી ખાસ મહેમાન આવશે ભારત, US નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડનો ખાસ પ્રવાસ
પાકિસ્તાની સેનાના 100થી વધારે જવાન બંધક
બલૂચ લિબરેશન આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે, 'અમારી પાસે 100થી વધારે પાકિસ્તાની સેનાના જવાન બંધક છે. આ દરમિયાન 20 આર્મી જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તમામ બંધકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.' નોંધનીય છે કે, બલૂચિસ્તાનમાં લાંબા સમયથી પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે.
શું પાકિસ્તાન સરકાર કરશે BLA સાથે વાતચીત?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સુરક્ષા દળોએ હાલ ટેરર વેવમાં મોટા આતંકવાદીઓને પકડ્યા છે. એક ખાસ જૂથ છે જે શાંતિ નથી ઇચ્છતું. એક ટ્રેનને હાઇજેક કરી લેવામાં આવે છે, જેમાં બાળકો અને મહિલાઓ પણ છે. આ એજન્ડા જમીનનો નથી પરંતુ માઇન્ડસેટનો છે જે આતંકવાદ ફેલાવે છે. પાકિસ્તાની સેના તેનો જવાબ પણ આપી રહી છે. તેથી એવું લાગતું નથી કે પાકિસ્તાન સરકાર અહીં વાટાઘાટો કરશે.