BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
Pakistan In BRICS Group: બ્રિક્સમાં સભ્ય પદ મેળવવાની અપેક્ષા રાખતાં પાકિસ્તાનને મોટો ઝટકો વાગ્યો છે. ભારતના આકરા વિરોધના કારણે પાકિસ્તાનને બ્રિક્સમાં સભ્ય પદ મળ્યું નથી. વધુમાં તેને પાર્ટનર કંટ્રીની યાદીમાં પણ સ્થાન મળ્યું નથી. બીજી તરફ તુર્કેઈને બ્રિક્સ પાર્ટનર કંટ્રીની યાદીમાં સામેલ કરાયો છે.
રશિયાએ હાલમાં જ 13 નવા પાર્ટનર દેશોની જાહેરાત કરી છે. જેમાં અલ્જિરિયા, બેલારૂસ, બોલિવિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલૅન્ડ, તુર્કેઈ, યુગાન્ડા, નાઈજિરિયા, ઉઝ્બેકિસ્તાન અને વિયેતનામ સામેલ છે. આ દેશ 1 જાન્યુઆરી, 2025થી બ્રિક્સના પાર્ટનર કંટ્રી બનશે. પાકિસ્તાન જે ચીન અને રશિયાના સમર્થનથી બ્રિક્સમાં સ્થાન મેળવવા માગતું હતું તેને આ યાદીમાં સામેલ કરાયું નથી.
તુર્કેઈની સફળતાનું કારણ
કાશ્મીર મુદ્દે તુર્કેઈના રાષ્ટ્રપતિ રેચેપ તેયપ એર્ડોગનના વલણમાં ફેરફારના કારણે ભારતે તુર્કેઈની દાવેદારીનો વિરોધ કર્યો ન હતો. પાકિસ્તાનનો બ્રિક્સમાં સામેલ થવાનો પ્રયાસ ભારતના આકરા વલણથી નિષ્ફળ રહ્યો. તુર્કેઈના રાજકીય પરિબળોમાં અનુકૂળતા અને રણનીતિમાં ફેરફારના કારણે બ્રિક્સમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાને પોતાના રાજકીય પ્રયાસો પર પુનઃવિચાર કરવો પડશે.
આ પણ વાંચોઃ UKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના નિયમ
પાકિસ્તાનની આકરી ટીકા
પાકિસ્તાનની આ નિષ્ફળતાની તેના જ દેશમાં આકરી ટીકા થઈ રહી છે. વિદેશી બાબતોના નિષ્ણાત મરિયાના બાબરે તેને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની "સંપૂર્ણ નિષ્ફળતા" ગણાવી હતી. તેમણે કહ્યું કે નાઈજીરિયા જેવા દેશે પણ પાકિસ્તાન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને બ્રિક્સ પાર્ટનર દેશ બન્યો.
બ્રિક્સમાં ભારતનું કડક વલણ
બ્રિક્સના નવા સભ્ય દેશોને સામેલ કરવા માટે તમામ સ્થાપક સભ્યોની સંમતિ જરૂરી છે. ભારતે પાકિસ્તાનના દાવાનો જોરદાર વિરોધ કર્યો હતો, જેના કારણે તેના માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે, ચીન અને રશિયાએ પાકિસ્તાનને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો હતો.