પાકિસ્તાનના કાર્યવાહક PM કાકરે દેશની નિષ્ફળતા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું, RAW પર લગાવ્યા ગંભીર આરોપ
Image Source: Twitter
- બલૂચિસ્તાનમાં બલૂચ પરિવારોના મુદ્દાને નકારાત્મક અને વાસ્તવિકતાથી તદ્દન વિપરીત રજૂ કરવામાં આવી રહ્યો: પાકિસ્તાનના PM
ઈસ્લામાબાદ, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
Pakistan Anwaar-ul-Haq Kakar Claim on RAW: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રહેતા લોકો સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, પાકિસ્તાની સેના બલૂચ લોકોનું બળજબરી પૂર્વક અપરહણ કરી રહી છે. એટલા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હજારોની સંખ્યામાં બલૂચ લોકો રેલી કાઢી રહ્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે સોમવારે કહ્યું કે, બલૂચિસ્તાનમાં બલૂચ પરિવારોના મુદ્દાને નકારાત્મક અને વાસ્તવિકતાથી તદ્દન વિપરીત રજૂ કરવામાં આવી રહ્યો છે.
RAW પર લગાવ્યા ગંભીર આરોપ
મીડિયાના વિભિન્ન સવાલોના જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, બલૂચિસ્તાનના લોકોની હત્યામાં આતંકવાદી અને સશસ્ત્ર આતંકવાદી સામેલ હતા. તેઓ ડોક્ટરો, વકીલો અને શિક્ષકોને મારી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે બલૂચ પરિવારોના મુદ્દાને અતિશયોક્તિભર્યો રજૂ કરવામાં આવ્યો છે અને આ આતંકવાદીઓ ભારતની ગુપ્તચર એજન્સી RAW પાસેથી ફંડિંગ લઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ
વડાપ્રધાન કાકરે કાર્યક્રમ દરમિયાન મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે મીડિયા આરોપ લગાવે છે કે સરકાર બલૂચ પરિવારો સાથે નથી લડી રહી. તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે ભ્રમ ફેલાવવા અને માહિતી વિના વસ્તુઓને એકસાથે ભેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી કે રાજ્ય ખોટી તાકાતો સામે સંપૂર્ણ તાકાતથી લડશે કારણ કે તેમને બલૂચ લોકોને મારવાનું લાયસન્સ ન આપી શકાય. દેશમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો વિશે માહિતી આપતા વડાપ્રધાન કાકરે કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં લગભગ 90,000 લોકો માર્યા ગયા હતા પરંતુ અત્યાર સુધીમાં મુશ્કેલથી માત્ર નવ જ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.