ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો બન્યો બોક્સિંગ રિંગ, નવાઝ શરીફ અને ઈમરાનખાનના સમર્થકો વચ્ચે મારામારી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો બન્યો બોક્સિંગ રિંગ, નવાઝ શરીફ અને ઈમરાનખાનના સમર્થકો વચ્ચે મારામારી 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.29.સપ્ટેમ્બર.2023

પાકિસ્તાનમાં પૂર્વ પીએમ નવાઝ શરીફ અને ઈમરાનખાન વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે અને તેની એક ઝલક લાઈવ ટીવી પર જોવા મળી હતી.

એક ટીવી ડિબેટ દરમિયાન ઈમરાનખાનની પાર્ટી તહેરિક એ ઈન્સાફના નેતા વકીલ શેર અફઝલ ખાન તેમજ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સેનેટર અફનાન ઉલ્લાહ ખાન એક બીજા સાથે ભીડાઈ ગચા હતા. એટલુ જ નહીં કેમેરા સામે જ મારામારી શરુ કરી દીધી હતી. લોકોનુ કહેવુ છે કે પાકિસ્તાનની ટીવી ચેનલો મારામારીનો અડ્ડો બની રહી છે.

ડિબેટમાં એ રાજકીય મુદ્દા પર વકીલ શેર અફઝલ ખાન અને સેનેટર અફનાન ઉલ્લાહ ખાન એક બીજા પર ઉકળી ઉઠ્યા હતા. જોત જોતામાં બંનેએ એક બીજાને ગાળો આપવાની શરુ કરી દીધી હતી. એ પછી તેઓ લાઈવ પ્રસારણમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. બંનેની  મારામારીની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સેનેટર અફનાન ઉલ્લાહ ખાને ચર્ચા દરમિયાન ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને સૈન્ય અધિકારીઓ સાથે પરદા પાછળથી વાતચીત કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.

શેર અફઝલ ખાન જવાબ આપવાની જગ્યાએ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ખુરશી પરથી ઉભા થઈને અફનાન ઉલ્લાહ ખાનને લાફો મારી દીધો હતો. એ પછી સેનેટરે વળતો હુમલો કરીને શેર અફઝલ ખાનને જમીન પર પટકીને લાતો મારવા માંડી હતી.

ડિબેટનુ સંચાલન કરી રહેલા ન્યૂઝ એન્કરે તેમને રોકવાની કોશિશ કરી હતી પણ સફળ થયા નહોતા. બંને નેતાઓ એક બીજા સાથે બોક્સિંગ રિંગમાં ઉતર્યા હોય તેમ લડી રહ્યા હતા.

બાદમાં સેનેટર અફનાને કહ્યુ હતુ કે,  શેર અફઝલ ખાને મારા પર હુમલો કર્યો હતો. હું નવાઝ શરીફનો સિપાહી છું. તેને જે સબક મળ્યો છે તે પછી ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ આવી હરકતો નહીં કરે.


Google NewsGoogle News