ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલ, તોશાખાના કેસમાં સજા ફટકારાઈ

ગઈકાલે ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલ, તોશાખાના કેસમાં સજા ફટકારાઈ 1 - image


Imran Khan, Bushra Bibi sentenced : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ઈમરાન ખાન માટે સતત બીજા દિવસે કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.  

કોર્ટે દંપતીને 10 વર્ષ માટે જાહેર હોદ્દો રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો

પાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર કોર્ટે આ દંપતીને સખત કેદની સજા ફટકારી છે. તેમજ કોર્ટે દંપતીને 10 વર્ષ માટે જાહેર હોદ્દો રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને તેમના પર પાકિસ્તાની રૂપિયા 787 મિલિયનનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

કોર્ટે ઈમરાન ખાનને ગઈકાલે સાઈફર કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

શું છે તોશાખાના કેસ?

પાકિસ્તાનના કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડે છે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા રાખવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન પર આરોપ છે કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સ્ટેટ ડિપોઝિટરી, તોશાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમતે મળેલી મોંઘી ગ્રાફ કાંડા ઘડિયાળ સહિતની ભેટો ખરીદી હતી અને તેને નફા માટે વેચી હતી. ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને બાદમાં મોંઘા ભાવે બજારમાં વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. આ ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં વેચાણની વિગતો શેર ન કરવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલ, તોશાખાના કેસમાં સજા ફટકારાઈ 2 - image


Google NewsGoogle News