પાકિસ્તાનના ઐતિહાસિક કટાસરાજ ધામ મંદિરમાં ભારતના 112 હિન્દુઓ શિવરાત્રી મનાવશે, જાણો તેનુ મહત્વ
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.7.માર્ચ.2024
ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યુ ત્યારે પાકિસ્તાનમાં ઘણા મંદિરો મોજૂદ હતા. જોકે 75 વર્ષમાં કટ્ટરવાદીઓએ ઘણા મંદિરોને તોડી પાડ્યા છે પણ હજી કેટલાક ઐતિહાસિક મંદિરો પાકિસ્તાનમાં હયાત છે.
આવુ જ એક મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલુ છે. જે કટાસરાજ ધામ મંદિર તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે, ભગવાન શિવને સમર્પિત આ મંદિર 5000 વર્ષ જૂનુ છે અને મહાભારત કાળ સાથે તેનો નાતો જોડાયેલો છે. દર વર્ષે શિવરાત્રીના દિવસે સેંકડો હિન્દુઓ અહીંયા દર્શન કરવા માટે પહોંચે છે.
આ વખતે 8 માર્ચે શિવરાત્રી નિમિત્તે દર્શન કરવા માટે ભારતમાંથી 112 હિન્દુઓ કટાસરાજ ધામ મંદિર પહોંચશે. આ હિન્દુઓ અટારી બોર્ડર થકી પાકિસ્તાન જવા માટે રવાના થશે. કેન્દ્રીય સનાતન ધર્મ સભાના અધ્યક્ષ શિવ પ્રતાપ બજાજે દેશના એક અંગ્રેજી અખબારને જાણકારી આપતા કહ્યુ હતુ કે, બીજા પણ ભાવિકો દર્શન કરવા જવા માંગતા હતા પણ પાકિસ્તાન વિઝા નથી આપ્યા. આ યાત્રાનો મુખ્ય ઉદેશ કટાસરાજ ધામ મંદિરના પવિત્ર કુંડમાં ડુબકી લગાવવાનો છે. જોકે આ વર્ષે દુકાળની સ્થિતિના કારણે શ્રધ્ધાળુઓની આ ઈચ્છા પૂરી થવી મુશ્કેલ લાગે છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની સાર સંભાળ રાખવા માટે સરકાર ઉદાસીન વલણ અપનાવી રહી છે. કટાસરાજ ધામ મંદિરમાં અમારી વારંવાર માંગ છતા પણ ભાવિકોને રોકાવા માટે રુમ નથી બનાવાયા તેમજ આ મંદિરમાં સ્થાયી પૂજારાની પણ નિયુક્તિ કરવામાં આવી નથી.
કટાસરાજ ધામ મંદિરનુ શિવ ભક્તો માટે ભારે મહત્વ છે. અહીંના પરિસરમાં આવેલા કુંડ અંગે વાયકા છે કે, આ કુંડની રચના ભગવાન શિવના આંસુઓથી થઈ છે. કટાસનો અર્થ પણ આંખોમાં આંસુ થાય છે. જ્યારે સતીનુ નિધન થયુ ત્યારે તેમના વિરહમાં ભગવાન શંકર એટલા રડયા હતા કે તેમના આંસુથી બે કુંડ ભરાયા હતા. આ પૈકીનો એક કુંડ પુષ્કરમાં છે અને એક કુંડ કટાસરાજ ધામ મંદિર ખાતે છે.
અન્ય એક માન્યતા પ્રમાણે 12 વર્ષના વનવાસ દરમિયાન પાંડવો પણ અહીંયા આવ્યા હતા.આ જ કુંડ એટલે કે તળાવના કિનારે યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે સંવાદ થયો હતો. પાણી લેતા પહેલા યક્ષે પૂછેલા પ્રશ્નના સાચા જવાબો યુધિષ્ઠિર સિવાય બીજા કોઈ પાંડવ ભાઈઓ આપી શક્યા નહોતા. યુધિષ્ઠિરના સાચા જવાબ સાંભળ્યા બાદ પ્રસન્ન થયેલા યક્ષે અહીંયા તેમને પાણી પીવાની મંજૂરી આપી હતી.
વર્તમાન મંદિરનુ નિર્માણ છઠ્ઠી અને નવમી શતાબ્દિ વચ્ચે કરવામાં આવ્યુ હતુ.મંદિર પરિસરમાં બૌધ્ધ સ્તૂપ પણ જોવા મળે છે.મંદિરની સ્થાપત્ય શૈલીમાં કાશ્મીરની ઝલક પણ દેખાય છે.