પાકિસ્તાનના ગ્વાદરમાં આતંકવાદીઓનો આડેધડ ગોળીબાર, સાતના મોત
Terrorist Attack in Pakistan : પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા અટકવાનું નામ લેતા નથી, ત્યારે અશાંત બલુચિસ્તાન (Baluchistan) પ્રાંતના બંદર શહેર ગ્વાદરમાં આતંકવાદી હુમલો થયો છે. અજાણ્યા બંદુક ધારીઓએ આડેધડ ગોળીબા કરતા ઓછામાં ઓછા સાત શ્રમિકોના મોત અને એક ઈજાગ્રસ્ત થયો છે. કયા આતંકવાદી સંગઠને આતંકી હુમલો કર્યો, તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.
મૃતક અને ઈજાગ્રસ્તો પંજાબના રહેવાસી હતા
ગ્વાદર પોલીસ સ્ટેશનના એસએચઓ મોહસિને કહ્યું કે, આ ઘટના સુરબંદર વિસ્તારમાં ગ્વાદર ફિશ હાર્બર પાસે બની છે, જેમાં અજાણ્યા બંદુકધારીઓ એક રહેણાંક ક્વાર્ટરમાં આડેધળ ગોળીબાર કર્યો હતો. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓ આ વિસ્તારમાં વાળંદની દુકાનમાં કામ કરતા હતા અને પંજાબના ખાનેવાલ જિલ્લાના રહેવાસી હતા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીએ કહ્યું કે, આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓ સામે તમામ પ્રકારની કાર્યવાહી કરી કડક પગલા ભરાશે.
ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા
રાજ્યના ગૃહમંત્રી મીર જિયા ઉલ્લાહ લાંખૌએ આતંકવાદી હુમલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. અગાઉ બલુચિસ્તાનના નુશ્કીલ જિલ્લામાં ત્રણ અઠવાડિયા પહેલા આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 11ના મોત થયા હતા. મૃતકોમાં નવ લોકો પંજાબના હતા, જેમને આતંકવાદીઓએ બસમાંથી બહાર કાઢી અપહરણ કરી લીધું હતું. આવી જ રીતે 20મી માર્ચે ગ્વાદર પોર્ટ ઓથોરિટી પર ગોળીબાર થયો હતો.