પાયમાલ થયેલા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, તિજોરી ખાલી થતાં જોઈને સૈનિકોને આપ્યો ઝટકો
Pakistan Govt Reduces Pension: પાકિસ્તાન સરકારે નિવૃત્ત કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓના પેન્શન લાભમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સરકારે વધતા પેન્શન બિલને ઘટાડવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના જવાનોના પેન્શન લાભોમાં ભારે ઘટાડો કર્યો છે.
બજેટમાં પેન્શન પાછળ પણ વધુ ખર્ચ કરવામાં આવે છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના નાણા મંત્રાલયે બુધવારે પેન્શન બંધ કરવાને લઈને ત્રણ અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડ્યા હતા, જેમાં પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મુકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ઋણ ચૂકવવું, ડિફેન્સ અને ડેવલપમેન્ટ પછી પેન્શન એ બજેટમાં ચોથો સૌથી મોટો ખર્ચ છે. આથી તેના પર કાપ મૂકવો જરૂરી છે.
એક કરતા વધુ પેન્શનના હકદારે માત્ર એક જ પેન્શન પસંદ કરવાનું રહેશે
પાકિસ્તાન નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, પગાર અને પેન્શન કમિશન 2020ની ભલામણો પર નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી એવી સ્થિતિમાં જ્યાં વ્યક્તિ એક કરતા વધુ પેન્શનનો હકદાર છે, તેને માત્ર એક જ પેન્શન પસંદ કરવાનું કહેવામાં આવશે.
છેલ્લા બે વર્ષના સરેરાશ પગારના આધારે પેન્શન આપવામાં આવશે
પાકિસ્તાનમાં છેલ્લા પગારના આધારે પેન્શન લેવાને બદલે નવા પેન્શનરને છેલ્લા બે વર્ષના સરેરાશ પગારના આધારે પેન્શન મળશે. નાણા મંત્રાલયે કહ્યું કે પેન્શન અંગેની તમામ વર્તમાન સૂચનાઓને તાત્કાલિક અસરથી સુધારવી જોઈએ. જેઓ પહેલાથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમને જો એકથી વધુ પેન્શન મળતું હોય તો જ આ ફેરફાર લાગુ થશે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા, બે દિવસ 10 કલાક પેપર લખવું પડે, પાસ થાઓ તો શું મળે?
પેન્શન કમિશન 2020ની ભલામણોના આધારે કરવામાં આવ્યા ફેરફાર
આ ફેરફારો 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવ્યા છે અને તે નિવૃત્ત નાગરિક અને લશ્કરી કર્મચારીઓ બંનેને લાગુ પડશે. આ સિવાય પગાર અને પેન્શન બંને મેળવતા કર્મચારીઓને પણ આ નિયમ લાગુ પડશે. નાણા મંત્રાલયની નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન નિયમોમાં ફેરફાર 2020માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની સરકાર દ્વારા રચવામાં આવેલા કમિશન દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવ્યા છે.
બજેટનો 66% હિસ્સો લશ્કરી પેન્શન માટે ફાળવવામાં આવ્યો છે
નિવૃત્ત કર્મચારીઓ અને સૈનિકોના પેન્શન લાભોમાં ઘટાડો વર્તમાન નાણાકીય વર્ષ માટે, સરકારે પેન્શનની ચુકવણી માટે બજેટમાં રૂ. 1.014 ટ્રિલિયન ફાળવ્યા છે, તેમાંથી 66% (રૂ. 662 અબજ) લશ્કરી પેન્શન માટે ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં પેન્શન બિલમાં 24% નો વધારો થયો છે.