ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા જ નિર્ણયથી જબરું ફસાયું પાકિસ્તાન, હવે કઈ રીતે આગળ વધારશે મિત્રતાનો હાથ?
Image: Facebook
Donald Trump Decision: ડોનાલ્ડ ટ્રમ્પે હજુ અમેરિકાની સત્તા સંભાળી જ છે કે તેમના એક નિર્ણયે પાકિસ્તાનને પરેશાન કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાં જ બાઇડન કાર્યકાળના રિફ્યૂજી પ્રોગ્રામને રદ કરી દીધો છે. આ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનમાં ફસાયેલા અફઘાની શરણાર્થીઓને અમેરિકામાં સેટલ કરવાના હતા. બાઇડન તંત્રએ પાકિસ્તાનને કહ્યું હતું કે થોડા જ સમયમાં અમેરિકા તમામ શરણાર્થીઓને શરણ આપી દેશે પરંતુ તે સત્તા પર હતા ત્યારે આવું થઈ શક્યું નહીં. આ તમામ શરણાર્થી અફઘાનિસ્તાનથી તે સમયે ભાગીને પાકિસ્તાન આવી ગયા હતા જ્યારે ત્યાં તાલિબાને સત્તા પલટતાં પોતાની સરકારની જાહેરાત કરી દીધી હતી.
અફઘાનિસ્તાનથી ભાગનાર શરણાર્થીઓમાં મોટાભાગના તે હતાં જેમણે પહેલા અમેરિકાની સેના માટે કામ કર્યું હતું. તે સમયે અમેરિકાએ આ શરણાર્થીઓને લઈને પાકિસ્તાન સરકારને કહ્યું હતું કે તે થોડા સમય સુધી પોતાના દેશમાં તેમને જગ્યા આપી દે. પછી અમેરિકા તેને ક્યાંક સેટલ કરી દેશે. પાકિસ્તાનને આશા હતી કે થોડા મહિનામાં આ પ્રક્રિયા થઈ જશે પરંતુ આવું થયું નહીં.
પાકિસ્તાન રાહ જોતું રહ્યું કે અમેરિકા ક્યારે આ 25 હજાર અફઘાની શરણાર્થીઓને સેટલ કરે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાં જ બધું જ પલટી દીધું. દરમિયાન જો પાકિસ્તાન આ મામલે વધુ આકરી પ્રતિક્રિયા આપે છે તો ટ્રમ્પનો કાર્યકાળ શરુ થતાં જ બંને દેશોના સંબંધોમાં ખટાશ આવવાની શરુ થઈ શકે છે.
1600 અફઘાની શરણાર્થીઓને ક્લિયર કરી ચૂકી હતી બાઇડન સરકાર
અમેરિકી સરકારના એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે લગભગ 1600 અફઘાન શરણાર્થી એવા છે જેમને વસાવવા માટે અમેરિકા લીલી ઝંડી આપી ચૂક્યું છે. વર્તમાનમાં અમેરિકી સેનામાં કામ કરી રહેલા ઘણા અફઘાની લોકોના પરિવારવાળા પણ આ લોકોમાં સામેલ છે.
જોકે, ટ્રમ્પના આ નિર્ણય બાદ તેમને પોતાની ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવવી પડી છે. આ લોકોને ડર છે કેમ કે તેમના પરિવારના સભ્યએ અમેરિકી સમર્થિત અફઘાનિસ્તાન સરકાર તરફથી કામ કર્યું છે. દરમિયાન તાલિબાન રાજમાં આ લોકોને ખૂબ જોખમ હોઈ શકે છે.
અત્યાર સુધી આ મામલે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી અને અમેરિકાએ કોઈ વાત કહી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પના આ નિર્ણયે પાકિસ્તાનની ચિંતાને ખૂબ વધારી દીધી છે. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે 'અમે જાણતાં હતાં કે જો ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતશે તો આવું થઈ શકે છે પરંતુ જે રીતે અમેરિકાની સરકારે આ કર્યું, તેણે અમને ચોંકાવી દીધા.'
પાકિસ્તાન સતત અમેરિકાને પ્રક્રિયા ઝડપી કરવાની વિનંતી કરી રહ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પની શપથથી એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં એક બેઠક થઈ હતી. જેમાં આ જ અફઘાન શરણાર્થીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન સતત વિનંતી કરી રહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં આ શરણાર્થીઓને વસાવે.
વર્ષ 2023માં પણ પાકિસ્તાને જ્યારે ગેરકાયેદસર અફઘાની પ્રવાસીઓને કાઢવાની શરુઆત કરી હતી ત્યારે પણ અમેરિકાએ આ મામલે હસ્તક્ષેપ કરતાં કહ્યું હતું કે આમાં જે લોકોને યુએસમાં વસાવવામાં આવી શકે છે તેમની પર પાકિસ્તાન સરકાર કાર્યવાહી ન કરે.
પાકિસ્તાને તે સમયે અમેરિકાની વિનંતીનો સ્વીકાર તો કરી લીધો હતો પરંતુ શરણાર્થીઓને ત્યાંથી કાઢવાની પ્રક્રિયા ઝડપી કરવા માટે કહ્યું હતું. હવે બાઇડન તંત્ર તો આ સમગ્ર મામલે વાકેફ હતું પરંતુ ટ્રમ્પ તંત્રના અધિકારીઓની હજુ સુધી આ મામલે પાકિસ્તાન સાથે કોઈ વાત થઈ નથી.
જોકે, પાકિસ્તાન પોતાના આ પક્ષ પર સ્પષ્ટ છે કે તે આ અફઘાની લોકોને જીવનભર માટે રાખશે નહીં પરંતુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો ગેરકાયદેસર પ્રવાસનને લઈને દૃષ્ટિકોણ છે તે જોઈને લાગે છે કે ભવિષ્યમાં આનાથી બંને દેશોના સંબંધોમાં મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.