'પાકિસ્તાન જ ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને શરણ આપી રહ્યું છે', અફઘાન વિદેશ મંત્રીએ નામ લીધા વગર કાઢી ઝાટકણી
image : Twitter
Pakistan Afghanistan Relationship : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની દોસ્તી કટ્ટર દુશ્મનીમાં બદલાઈ રહી છે.
પાકિસ્તાન સાથેની બોર્ડરને માન્યતા આપવાનો ઈનકાર કરી ચુકેલા અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાન પર પ્રહારો કરવાનુ ચાલુ રાખ્યુ છે. તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ કહ્યું છે કે, 'પાકિસ્તાનની સરકાર ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને આશ્રય આપી રહી છે. અફઘાનિસ્તાનના ત્રણ પાડોશી દેશોએ ઈસ્લામિક સ્ટેટને ફરી બેઠા થવા દેવા માટે અનુકુળ માહોલ પૂરો પાડ્યો છે. એક દેશ આતંકવાદીઓને ઉપલબ્ધ કરાવે છે, બીજો દેશ તેમને તાલિમ અને ભંડોળ આપીને તેમના દુષ્પ્રચારને સહાય કરે છે તો ત્રીજો દેશ આતંકવાદીઓને હુમલો કરવા માટે મદદ કરે છે.'
વિદેશ મંત્રી મુત્તાકીએ કોઈ દેશનુ નામ નહોતુ લીધુ પણ તેમનો ઈશારો સ્પષ્ટપણે પાકિસ્તાન તરફ હતો. તેમણે જણાવ્યુ હતુ કે, 'કેટલાક દેશો શરુઆતમાં તો કટ્ટરવાદી સંગઠનોને સમર્થન આપે છે પણ પછીથી તેઓ તેમને અપાતો ટેકો પાછો પણ ખેંચી લેતા હોય છે.'
અફઘાનિસ્તાન ઈસ્લામિક સ્ટેટ પર રોષે ભરાયેલુ છે. કારણકે તાલિબાનને સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનમાં મોટાભાગના આતંકી હુમલા ઈસ્લામિક સ્ટેટે જ કર્યા છે. તે તાલિબાનને પોતાનુ નંબર વન દુશ્મન ગણાવે છે.
બીજી તરફ પાકિસ્તાન સાથે તાલિબાનોના સબંધો અત્યારે વણસી ચૂકયા છે. પાકિસ્તાનનો આરોપ છે કે, 'અફઘાનિસ્તાનમાં શરણ લેનારા તહેરિક એ તાલિબાન પાકિસ્તાનના આતંકીઓ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી હુમલા કરે છે અને લશ્કરને ટાર્ગેટ કરે છે.'
પાકિસ્તાને પોતાની તાકાત બતાવવા માટે અફઘાનિસ્તાનમાં ગયા મહિને એર સ્ટ્રાઈક પણ કરી હતી અને ત્યારથી તાલિબાનના નેતાઓ પાકિસ્તાનની સામે બાંયો ચઢાવી રહ્યા છે. તાલિબાને તો પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત સાથે સબંધો સુધારવાનુ પણ શરૂ કરી દીધુ છે.