4 વર્ષ બાદ પાકિસ્તાન આવેલા નવાઝ શરીફને મોટી રાહત, સ્ટીલ મિલ કેસમાં સજા મોકૂફ રખાઈ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ ચાર વર્ષના લાંબા સમય બાદ લંડનથી શનિવારે પાકિસ્તાન પરત ફર્યા છે. તેમને સ્ટીલ મિલ કેસમાં મોટી રાહત મળી છે. હકીકતે પંજાબની કાર્યવાહક સરકારે અલ અજીજિયા સ્ટીલ મિલ કેસમાં નવજ શરીફની સજા મોકૂફ રાખી છે. જેથી આ મામલામાં હવે નવાઝ શરીફની ધરપકડ થઇ શકશે નહી.
અહેવાલ અનુસાર, મંગળવારે પંજાબ કેબિનેટે અલ-અઝીઝિયા કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો નવાઝ શરીફની સજાને મોકૂફ રાખી છે. કાર્યકારી માહિતી પ્રધાન આમિર મીરે પંજાબ કેબિનેટના નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું કે, આ નિર્ણય કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CPC) ની કલમ 401 હેઠળ તેની બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે, જે તેને કોઈપણ ગુનેગારને માફ કરવાની સત્તા આપે છે. મીરે કહ્યું કે પીએમએલ-એન સુપ્રીમોએ પંજાબ કેબિનેટને તેમની સજાને સ્થગિત કરવા વિનંતી કરી હતી.
અલ-અઝીઝિયા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તોશાખાના વાહન કેસમાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. જે ઈસ્લામાબાદ કોર્ટમાં પેન્ડિંગ છે. તે આ કેસોમાં જામીન પર હતા ત્યારે 2019માં ચિકિત્સાને આધારે બ્રિટન રવાના થઇ ગયા હતા.
પાકિસ્તાન પહોંચતા રેલી યોજી હતી
નવાઝ શરીફ ગયા શનિવારે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન તેમણે સજા મોકૂફ રાખવા અપીલ પર સહી કરી હતી.. નવાઝ શરીફે બ્રિટનથી પોતાના દેશ પરત ફર્યા બાદ તરત જ લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાનમાં તેમની પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા અને લોકોને આશ્વાસન પણ આપ્યું હતું કે તેઓ દેશને મુશ્કેલ સમયમાં બહાર કાઢવા આવ્યા છે.