ઈમરાન વધુ એક કેસમાં ફસાયા, બુશરા બીબી સાથે નિકાહ ગેર-ઈસ્લામિક, બંનેને 7-7 વર્ષની સજા

ઈમરાન ખાન અને બુશરા બીબી પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ઈમરાન વધુ એક કેસમાં ફસાયા, બુશરા બીબી સાથે નિકાહ ગેર-ઈસ્લામિક, બંનેને 7-7 વર્ષની સજા 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનના બુશરા બીબી સાથેના નિકાહને ગેર-ઈસ્લામિક જાહેર કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે બંનેને 'ગેર-ઈસ્લામિક નિકાહ'ના કેસમાં 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. એક દિવસ પહેલા જેલ પરિસરમાં લગભગ 14 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

બુશરા બીબી સાથે નિકાહ ગેર-ઈસ્લામિક

બુશરા બીબી પર આરોપ છે કે, તેમણે પોતાના પહેલા પતિ ફરીદ માનેકાને તલાક આપવા અને ઈમરાન ખાન સાથે નિકાહ કરવા વચ્ચે જરૂરી વેટિંગ પીરિયડ અટલે કે, ઈદ્દતને પૂરો નહોતો કર્યો. 

ઈસ્લામમાં શરિયત પ્રમાણે મુસ્લિમ મહિલાને તેના પતિના મૃત્યુ બાદ થોડા સમય માટે બીજા નિકાહ કરવાની મનાઈ છે. આ ઈદ્દત છે. ઈદ્દત દરમિયાન એટલે કે નિશ્ચિત સમયગાળા માટે સ્ત્રી બીજા નિકાહ નથી કરી શકતી. આ નિશ્ચિત સમયને ઈદ્દત કહેવામાં આવે છે. આ સમય 4 મહિના અને 10 દિવસનો છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રી માટે અન્ય પુરુષો સામે પડદો પણ જરૂરી હોય છે. 

7-7 વર્ષની જેલની સજા અને 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કોર્ટે આજે અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ગેર-ઈસ્લામિક નિકાહ કેસમાં 7-7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત બંને પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નિર્ણય સંભળાવવામાં આવ્યો તે સમયે ઈમરાન ખાન અને બુશરા બીબી કોર્ટમાં જ હાજર હતા.

આ પહેલા કોર્ટે બુધવારે પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના તેમની ત્રીજી પત્ની બુશરા બીબી સાથેના 'ગેર-ઈસ્લામિક' નિકાહને પડકારવા મામલાને બરતરફ કરી દેવાની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.



Google NewsGoogle News