પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસના ઘર પર ગ્રેનેડ હુમલો, 2017માં નવાઝ શરીફને પીએમ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા
image : Twitter
ઈસ્લામાબાદ,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
ભારતમાં અત્યાર સુધી આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને હવે ઝેરના પારખા કરવાનો વારો આવી રહ્યો છે.
પાકિસ્તાનમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસની સુરક્ષા પણ ખતરામાં છે. એક તરફ આર્થિક રીતે કંગાળ બની ચુકેલા પાકિસ્તાન માટે આતંકવાદીઓ મોટી મુસિબતનુ કારણ બની રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના લાહોર સ્થિત ઘર પર બુધવારે સાંજે ગ્રેનેડ વડે હુમલો થયા બાદ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ ચોંકી ઉઠી છે. આ હુમલામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા છે. હુમલા બાદ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. એ પછી હવે પૂર્વ ચીફ જસ્ટિસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
જસ્ટિસ નિસારે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે, હું અને મારો પરિવાર ઘરના ડ્રોઈંગ રુમમાં બેઠા હતા ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. હું ઘરના ગેરેજમાં જોવા ગયો ત્યારે બે સુરક્ષાકર્મી ઘાયલ થઈને પડેલા હતા. તેમણે કહ્યુ હતુ કે, અજાણ્યા લોકો ઘરના ગેરેજમાં ગ્રેનેડ ફેંકીને ભાગી ગયા હતા. આ હુમલા પાછળ ગંભીર કાવતરુ હોઈ શકે છે.
ગ્રેનેડ હુમલા બાદ પંજાબ પ્રાંતની પોલીસનુ તારણ છે કે, ચીફ જસ્ટિસના કોઈ દુશ્મનો દ્વારા આતંક ફેલાવવા માટે હુમલો કરાયો હોવાની આશંકા છે અને તેમાં વિદેશી હાથ હોવાની શક્યતાથી ઈનકાર થઈ શકે તેમ નથી. સ્થળ પર મળેલા પૂરાવાના આધારે તપાસ થઈ રહી છે. જે પણ હુમલા માટે દોષી છે તેમને બહુ જલ્દી શોધી કાઢવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ નિસારની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 2017માં પનામા પેપરના મામલામાં તે સમયે પીએમ નવાઝ શરીફને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને શરીફને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.