Get The App

પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો

Updated: Aug 28th, 2022


Google NewsGoogle News
પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો 1 - image


- પાકિસ્તાનના ઓછામાં ઓછા 110 જિલ્લા પૂરની લપેટમાં છે જેમાંથી 72 જિલ્લાઓને હોનારતથી પ્રભાવિત જાહેર કરવામાં આવ્યા છે

ઈસ્લામાબાદ, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

પાકિસ્તાનમાં ભીષણ પૂર સતત તબાહી મચાવી રહ્યું છે અને મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. જૂનથી ભારે વરસાદ અને પૂરના કારણે હજારો લોકો ઘાયલ થયા છે અને વિસ્થાપિત થયા છે. 14 જૂનથી અત્યાર સુધી વર્સાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 1,033 લોકોના મોત થયા છે અને 1,527 લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ વણસી ગયા બાદ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.

પૂરના કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 119 લોકોના મોત થયા છે અને 71 લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનમાં ચાર, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં 6, ખૈબર પખ્તુનખ્વામાં 31 અને સિંધમાં 76 લોકોના મોત થયા છે. વરસાદના કારણે પાકિસ્તાનમાં 3,451.5 કિમી રોડ ક્ષતિગ્રસ્ત અને 149 પુલ ધરાશાયી થયા છે. 170 દુકાનો બર્બાદ થઈ ગઈ છે. આ ઉપરાંત 9 લાખથી વધુ ઘર આંશિક અથવા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. માણસોની સાથે-સાથે 7 લાખ પશુઓ પણ પૂરની લપેટમાં આવવાથી મૃત્યુ પામ્યા છે. 

પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો 2 - image

પાકિસ્તાનના 110 જિલ્લા પૂરની લપેટમાં

પાકિસ્તાનના ઓછામાં ઓછા 110 જિલ્લા પૂરની લપેટમાં છે જેમાંથી 72 જિલ્લાઓને હોનારતથી પ્રભાવિત જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન એક દાયકા કરતાં પણ વધુ સમયથી તેની સૌથી ખરાબ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. પૂરને કારણે લાખો લોકોના જીવનને અસર થઈ હતી જેના પછી પાકિસ્તાન સરકારે દેશમાં 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી છે.

પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો 3 - image

NDMAના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં પૂરથી 57 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પરંતુ આ સંખ્યા તેનાથી પણ વધુ હોય શકે છે. ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં 51,275 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 498,442 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.NDMAએ માહિતી આપતા જણાવ્યું કે,પાકિસ્તાનમાં 30 વર્ષના આંકડા દર્શાવે છે કે,  દેશમાં 134 મીમી વરસાદ થયો છે, પરંતુ આ વર્ષે 388.7 મીમી વરસાદ થયો છે જે સરેરાશ કરતા 190.07% વધુ છે.


Google NewsGoogle News