આખરે પાકિસ્તાનને IMF ની 7 બિલિયન ડૉલરની લોન તો મળી પરંતુ તે સાથે મુકેલી શર્તો પસીનો છોડાવે તેવી છે
- પાકિસ્તાનમાં અત્યારે જ ફુગાવો 37.5 ટકાએ પહોંચ્યો છે
- આઈ.એમ.એફ. દ્વારા ટેક્ષ વધારવા માટે પાકિસ્તાનને હુક્મ કર્યો છે, મુશ્કેલી તે છે કે લગભગ દરેક ચીજો પર ભાર વધતાં મોંઘવારી વધી જશે, જનતા વધુ પીસાશે
ઇસ્લામાબાદ : પૈસાની અસામાન્ય તંગી અનુભવી રહેલાં પાકિસ્તાને સઉદી અરબસ્તાન પાસે લોન માગી હતી પરંતુ તેણે જૂની લોન હજી પરત ન કરાઈ હોવાથી વધુ લોન આપવા ના કહી. જેને તે ઓલ વેધર ફ્રેન્ડ માને છે. તેવા ચીને પણ હાથ ઉંચા કરી દીધા. તે પછી છેલ્લાં એક વર્ષથી તે આઈએમએફ પાસે લોન માગી રહ્યું હતું. પરિસ્થિતિ એવી ઉભી થઇ હતી કે તેનું અર્થતંત્ર જ ગ્રાઉન્ડીંગ હોલ્ટ પર આવી જાય તેમ હતું. તેવે સમયે આખરે આઈએમએફ તેને ૭ અબજ ડોલરની લોન ત્રણ ટુકડે ત્રણ વર્ષમાં આપવાનું વચન આપ્યું છે. તેથી તત્કાળ તો તેની ઉપરથી આફત દૂર થઇ છે. પરંતુ આ સાથે આઈએમએફે જે શર્તો મુકી છે તે ઘણી જ કઠોર છે. તેણે લશ્કરી ખર્ચ ઘટાડવા, તેમજ વહીવટી ખર્ચ પણ ઘટાડવા સાથે ખાદ્ય પદાર્થો સિવાયની લગભગ દરેક ચીજો ઉપર ટેક્ષ નાખવા હુક્મ કર્યો છે. સાથે ઇન્કમટેક્ષનું સ્તર અને વ્યાપ વધારવા કહ્યું છે. પાકિસ્તાનની ૨૪ કરોડની જનતામાં માત્ર ૫૦ લાખ લોકો જ ઇન્કમટેક્ષ ભરે છે.
મૂળવાત તેમ છે કે પાકિસ્તાનને તેના રોજીંદા ખર્ચની ગણતરીએ જ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના કુલ ૪૬ બિલિયન ડોલર ઉભા કરવા પડે તેમ છે જે ગત નાણાંકીય વર્ષના પ્રમાણમાં ૪૦ ટકાથી વધુ છે. આઈએમએફ કહે છે કે આથી જ પાકિસ્તાનમાં ફુગાવો ઘટી શકે તેમ છે. અત્યારે જ ફુગાવો હાથ બહાર ગયો છે (૩૭.૫ ટકા) જે અંકુશિત કરવો જ રહ્યો. આ સાથે આઈએમએફે ઇકોનોમિક ડીસ્પેરિટી આર્થિક વિસંગતી દૂર કરવા હુક્મ કર્યો છે.
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે આઈએમએફની લોનની રકમ ખેડૂતોની સહાય માટે તેમજ ઇન્ફ્રા સ્ટ્રકચર વધારવા માટે વાપરવામાં આવશે. તે સાથે ખાનગી કરણમાં પણ સુધારો કરાશે. તેમાં જે કંપનીઓ સૌથી વધુ લાભદાયક હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ ખાસ આર્થિક ક્ષેત્રો તથા કૃષિ અને તે સમર્થિત ક્ષેત્રોને વધુ સબસીડી આપવામાં આવશે. જેથી તે ક્ષેત્રોને પ્રોત્સાહન મળે.
શહબાઝ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનના ઇતિહાસની આ અંતિમ લોન બની રહેશે. પરંતુ તે માટે સૌથી પહેલું કામ તો તેમણે દેશમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને નાથવાનું રહેશે. સાથે સાથે સરકાર અને અધિકારીઓ વચ્ચે પણ પારદર્શિતા લાવવાની જરૂર છે. સાથે આર્થિક સુધારા પણ અનિવાર્ય છે. આમ કરશે તો જ લોનમાં લીધેલા પૈસાનો સાચો ઉપયોગ કર્યો ગણાશે, તો જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરી શકશે તેમ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.