પીએમ બનવાનુ સપનુ જોતા નવાઝ શરીફ મનસહેરા બેઠક પરથી હારી ગયા, લાહોર બેઠક પર જીત્યા
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનુ સપનુ જોઈ રહેલા નવાઝ શરીફ અપક્ષ ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા છે પણ અન્ય એક લાહોર બેઠક પર તેમની જીત થઈ છે.
મળતી વિગતો પ્રમાણે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી મજબૂત મનાતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ નવાઝ શરીફ માટે ચૂંટણી પરિણામો આંચકો આપનારા છે.
તેમણે બે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પૈકી મનસહેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર શહેઝાદા ગસ્તાસાપે તેમને 11000 મતથી હાર આપી છે.
અત્યારે પાકિસ્તાન મતગણતરી ચાલી રહી છે અને એક પછી એક પરિણામો જાહેર થઈ રહ્યા છે. મનસેહરાની બેઠક તો નવાઝની પાર્ટીનો ગઢ મનાય છે. આમ છતા આ બેઠક પરથી નવાઝને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
જ્યારે લાહોર બેઠક પરથી નવાઝ શરીફ 55000 કરતા વધારે મતથી ચૂંટણી જીતી ગયા છે. નવાઝ શરીફ સામે ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવાર યાસ્મીન રાશિદ તો હાલમાં જેલમાં છે અને તે એક પણ વખત મતદારોને મળી શક્યા નથી. આમ છતા આ બેઠક પરથી પણ યાસ્મીને નવાઝ શરીફ સામે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે. યાસ્મીન રાશિદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ સાથે જોડાયેલા છે. સેના પર હુમલાનુ પ્લાનિંગ કરવાના આરોપસર તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આમ છતા તેમના સમર્થકોએ તેમના વતી પ્રચાર કર્યો હતો.