પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે ગતકડું! ઘણી બેઠકો પર ગેરરીતિ પકડાઈ, ફરી ચૂંટણી યોજવાનો નિર્ણય
હજુ સુધી કોઈ પક્ષને બહુમતી મળી નથી, ચૂંટણી પરિણામ જાહેર થવાના બાકી
Pakistan Election 2024 | પાકિસ્તાનમાં ત્રણ દિવસથી ચાલી રહેલી મતગણતરી હજુ પૂર્ણ થઈ નથી. અત્યાર સુધીના પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આ દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચે ફરીથી ઘણી બેઠકો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાન ચૂંટણી પંચનો નિર્ણય!
ખરેખર તો પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) મતદાન સામગ્રીને છીનવી લેવા અને નુકસાન પહોંચાડવાની ફરિયાદોની તપાસ કર્યા પછી દેશભરના કેટલાંક મતદાન મથકો પર ફરીથી ચૂંટણી યોજવાના આદેશો જારી કર્યા છે. અહેવાલ અનુસાર ચૂંટણી પંચે વિવિધ મતદાન મથકો પર મતદાન સામગ્રીને છીનવી લેવા અને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ અંગે દેશના વિવિધ ભાગોમાંથી મળેલી ફરિયાદોનો જવાબ આપ્યો હતો. જેના બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ મતદાન પ્રક્રિયાઓ મુલતવી રાખવાની ફરજ પડી.
15 ફેબ્રુઆરીએ ફરીથી ચૂંટણી
તાજેતરના અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચે 15 ફેબ્રુઆરીના રોજ કેટલાક મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનું નિર્ધારિત કર્યું છે. આ મતદાન મથકોના પરિણામો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
આ બેઠકો પર ચૂંટણી યોજાશે
પાકિસ્તાનના ચૂંટણી પંચે મતદાન મથકોની યાદી જાહેર કરી છે જ્યાં ફરી મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં NA-88 ખુશાબ-II પંજાબ, PS-18 ઘોટકી-1 સિંધ અને PK-90 કોહાટ-I ખૈબર પખ્તુનખ્વાનો સમાવેશ થાય છે.