પાકિસ્તાનમાં અજીબો ગરીબ ચૂંટણી પ્રચાર, નવાઝ શરીફની સભામાં વાઘ-સિંહ હાજર રખાયા
ઈસ્લામાબાદ,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
પાકિસ્તાનમાં આગામી ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને લોકોને આકર્ષવા માટે રાજકીય પક્ષો જાત જાતના તરકટો કરી રહ્યા છે.
અત્યારે પ્રચારમાં મજબૂત સ્થિતિમાં દેખાતી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દ્વારા ઉપરા છાપરી ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. નવાઝ શરીફની સાથે સાથે તેમની પુત્રી મરિયમ અને ભાઈ શાહબાઝ શરીફ પણ અલગ અલગ રાજ્યોમાં સભાઓને સબંધો રહ્યા છે.
જોકે મંગળવારે નવાઝ શરીફની લાહોર ખાતેની રેલીમાં એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જે દુનિયાના કોઈ દેશની ચૂંટણીના પ્રચારમાં જોવા ના મળે. આ રેલીમાં વાઘ અને સિંહને પણ લાવવામાં આવ્યા હતા. પિંજરામાં બંધ વાઘ અને સિંહને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
ચૂંટણી પ્રચારમાં વાઘ અને સિંહને લાવવાનુ કારણ એ હતુ કે, નવાઝ શરીફની પાર્ટીનુ ચૂંટણી પ્રતિક વાઘ છે અને પાર્ટીના કાર્યકરોને લાગ્યુ હતુ કે હવે તો સાચો વાઘ સભામાં લાવવો જ પડે.
તેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પિંજરામાં બંધ વાઘ સિંહ સાથે લોકો સેલ્ફી ખેંચતા નજરે પડી રહ્યા છે. કાર્યકરો વધારે ઉત્સાહિત એટલા માટે પણ હતા કે, લાહોર બેઠક પરથી નવાઝ શરીફ ચૂંટણી લડી રહ્યા છે.
પાકિસ્તાનમાં અત્યારની સ્થિતિમાં તો નવાઝ શરીફની પાર્ટી ચૂંટણી પ્રચારમાં બીજી પાર્ટીઓ કરતા વધારે મજબૂત દેખાઈ રહી છે. કારણકે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં છે અને હરિફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પણ એટલી શક્તિશાળી નથી રહી. પાકિસ્તાન સેના માટે પણ નવાઝ શરીફ ફેવરિટ હોવાનુ મનાઈ રહ્યુ છે.