ઇમરાન ચૂંટણી નહીં લડી શકે, ચૂંટણી પંચે ઉમેદવારીપત્ર રદ કર્યા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
ઇમરાન ચૂંટણી નહીં લડી શકે, ચૂંટણી પંચે ઉમેદવારીપત્ર રદ કર્યા 1 - image


- પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો હતો 

- ઇમરાનની ઉમેદવારીનો સત્તાધારી પક્ષે ભારે વિરોધ કર્યો હતો, પીટીઆઇ સમર્થકોમાં રોષ  

ઇસ્લામાબાદ : વર્ષ ૨૦૨૪માં પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે પૂર્વે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. ઇમરાન ખાન બે બેઠકો પર ઉમેદવારી કરવા જઇ રહ્યા છે, જોકે આ નિર્ણયને પાક.ના ચૂંટણી પંચે નકારી દીધો છે.

ઇમરાન ખાને લાહોર અને મીઆનવાલી એમ બે બેઠકો પર ઉમેદવારીપત્ર ભર્યા હતા. જોકે પાકિસ્તાનના ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે આ ઉમેદવારીપત્રોને નકારી દીધા છે. તોશખાના કેસમાં ઇમરાન ખાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ દ્વારા ઇમરાન ખાનની ઉમેદવારી સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઇમરાન ખાનને દોષી ઠેરવવાના આદેશને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી દીધો છે. જોકે તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને હજુ પલટાવવામાં નથી આવ્યો. 

પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું કદ વેતરવા માટે વર્તમાન સરકાર પ્રયાસો કરી રહી છે. એવામાં હવે તેમના ઉમેદવારીપત્રને જ નકારી દેવામાં આવતા વિરોધી પક્ષ પીટીઆઇના સમર્થકો અને નેતાઓમાં રોષ વધી રહ્યો છે. 

આઠમી ફેબ્પુઆરીએ પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને પગલે ઇમરાન ખાને આ ઉમેદવારીપત્ર ભર્યા હતા. હવે જ્યારે તેમના નામની બાદબાકી કરી દેવામાં આવી છે ત્યારે ઇમરાન ખાન પોતાના સમર્થક નેતાને આગળ કરે તેવી શક્યતાઓ છે.


Google NewsGoogle News