'જ્યાં સુધી કાશ્મીર જીતી નહીં લઈએ ત્યાં સુધી ઝંપીશું નહીં..' હાફિઝ સઇદની પાર્ટીએ ઝેર ઓક્યું
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં હાફિઝ સઈદનો દીકરો અને જમાઈ પણ ચૂંટણી મેદાને ઉતર્યા
Image : IANS |
Pakistan Election and Hafiz saeed News : પાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. રેલીમાં મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા શપથ લેવડાવાયા હતા. પીએમએમએલ પાર્ટી લશ્કર-એ-તોયબાનો રાજકીય મોરચો હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેનો સંસ્થાપક આતંકી હાફિઝ સઈદ હોવાનો દાવો છે.
ભારતને ધ્યાનમાં રાખી આપ્યા ઝેરી ભાષણ...
એક રિપોર્ટ અનુસાર રેલી દરમિયાન મરકઝી લીગના લીડર્સે ભારતને ધ્યાનમાં રાખી ભાષણો આપ્યા હતા. પાકિસ્તાનની વિદેશ નીતિમાં ફેરફાર કરવા અંગે ભારપૂર્વક તેમણે કહ્યું કે પેલેસ્ટાઈન અને કાશ્મીરને વધુ મદદની જરૂર છે. જ્યાં સુધી અમે કાશ્મીરને પાકિસ્તાન માટે જીતી નહીં લઈએ ત્યાં સુધી શાંતિથી બેસવાના નથી. આ દરમિયાન તેઓએ જેહાદ કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. મંચ પરથી ભારત અને કાશ્મીર અંગે જેહાદી નારેબાજી કરાવાઈ હતી.
હાફિઝ સઈદ આ પાર્ટીનો સંસ્થાપક હોવાનો દાવો
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં મરકઝી મુસ્લિમ લીગ નામની આ પાર્ટી ઊતરી રહી છે. 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને આ પાર્ટી સહિત ઘણા પ્રતિબંધિત જૂથોનો નવો ચહેરો મનાઈ રહ્યો છે. પાર્ટીએ પાકિસ્તાનના ઘણા શહેરોમાં તેના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેમા મોટાભાગના ઉમેદવારો હાફિઝ સઈદના સંબંધીઓ, પૂર્વ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અને મિલ્લી મુસ્લિમ સાથે જોડાયેલા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
હાફિઝ સઈદનો પુત્ર ચૂંટણીમાં કરી રહ્યો છે શક્તિ પ્રદર્શન
અહેવાલ અનુસાર ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદનું નામ 'વૈશ્વિક આતંકવાદીઓ'ની યાદીમાં સામેલ કર્યું હતું. તે લાહોરની જેલમાં કેદ છે. હાફિઝ સઈદને પાકિસ્તાનની એક અદાલતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કુલ 31 વર્ષની સજા સંભળાવી છે. બીજી તરફ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ મરકઝી મુસ્લિમ લીગ પાર્ટીના ઉમેદવાર તરીકે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છે. તલ્હા સઈદ લાહોરની એનએ-122 સીટ પરથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી રહ્યો છે. જ્યારે હાફિઝ સઇદના દીકરાની જેમ તેનો જમાઈ હાફિઝ નેક ગુજ્જર પર આ વખતે ચૂંટણી લડી રહ્યો હોવાના અહેવાલ છે.