પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી, ત્રણ પક્ષો વચ્ચે મુકાબલો, 12.85 કરોડ મતદારો ચૂંટશે નવી સરકાર
દેશભરમાં લગભગ સાડા છ લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા
Pakistan Election 2024 | આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આજે 12.85 કરોડ મતદારો દેશ માટે નવી સરકાર ચૂંટવા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીનું આયોજન સુરક્ષિત રીતે થાય તે માટે દેશભરમાં લગભગ સાડા છ લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં કોણ સૌથી આગળ?
આ વખતે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચૂંટણીમાં સૌથી આગળ મનાઈ રહ્યા છે. તેમને પાકિસ્તાનની શક્તિશાળી સેના દ્વારા સમર્થન પ્રાપ્ત હોવાનું મનાય છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં હોવાથી, આ ચૂંટણીમાં નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી શકે છે.
3 પક્ષો વચ્ચે મુખ્ય સ્પર્ધા
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચે આ સામાન્ય ચૂંટણીમાં મુકાબલો જોવા મળશે. જોકે પાકિસ્તાની સૈન્યની સૌથી નજીક નવાઝ શરીફની પાર્ટી હોવાથી તેની જીત નક્કી મનાઈ રહી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે (ગુરુવારે) સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. કુલ 12,85,85,760 રજિસ્ટર્ડ મતદારો નેશનલ એસેમ્બલી માટે 5,121 ઉમેદવારોને મત આપશે. ઉમેદવારોમાં 4,807 પુરૂષો, 570 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.