પાકિસ્તાનની પોલ ખુલી! યુક્રેનને હથિયારો વેચી 3000 કરોડ કમાયા, રશિયાથી સસ્તુ ઓઇલ પણ લીધું, રિપોર્ટમાં દાવો

પાકિસ્તાને યુક્રેનને 36.4 કરોડ ડૉલર એટલે કે આશરે 3,000 કરોડ રૂપિયાના હથિયારોનું વેચાણ કર્યું

પાકિસ્તાન આ દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ અને ઘઉં તો ખરીદતું જ રહ્યું

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનની પોલ ખુલી! યુક્રેનને હથિયારો વેચી 3000 કરોડ કમાયા, રશિયાથી સસ્તુ ઓઇલ પણ લીધું, રિપોર્ટમાં દાવો 1 - image

image : Twitter



Pakistan sell weapons to Ukrain | રોકડ સંકટ સામે ઝઝૂમતાં પાકિસ્તાને રશિયા વિરુદ્ધ જઈને યુક્રેનને ઘાતક હથિયારોનું વેચાણ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને યુક્રેનને 36.4 કરોડ ડૉલર એટલે કે આશરે 3,000 કરોડ રૂપિયાના હથિયારોનું વેચાણ કર્યું છે. સાથે જ પાકિસ્તાન આ દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ અને ઘઉં તો ખરીદતું જ રહ્યું.

આ રીતે મોકલ્યાં હથિયાર...? 

અહેવાલો અનુસાર યુક્રેનને વિસ્ફોટકનો સપ્લાય કરવા માટે પાકિસ્તાને ગત વર્ષે બે ખાનગી અમેરિકી કંપનીઓ સાથે હથિયારોની ડીલ કરી હતી. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે બ્રિટિશ સૈન્ય માલવાહક વિમાને યુદ્ધગ્રસ્ત દેશને હથિયાર સપ્લાય કરવા માટે રાવલપિંડી સ્થિત પાકિસ્તાની એરફોર્સના બેઝ નૂર ખાનથી સાઈપ્રસ, અક્રોટિરી અને રોમાનિયા માટે 5 વખત ઉડાન ભરી હતી. 

કરાર કરી અબજો કમાયા અને હવે કરાર પૂરો થયો 

અમેરિકી ફેડરલ પ્રોક્યુરમેન્ટ ડેટા સિસ્ટમ સાથે કરારનો હવાલો આપતાં રિપોર્ટમાં દાવો કરાયો છે કે 155 મિ.મી.ના ગોળાની ખરીદી માટે પાકિસ્તાની 17 ઓક્ટોબર, 2022 ના રોજ અમેરિકી કંપનીઓ ગ્લોબલ મિલિટ્રી સાથે 1,926 કરોડ રૂપિયા અને નોર્થરોપ ગ્રૂમ્મન સાથે 1,088 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આ કરાર ગત મહિને ખતમ થઈ ગયો હતો. 

શાહબાઝ સરકાર વખતે કરાર થયા હતા 

રિપોર્ટમાં ચોક્કસ દાવો કરાયો છે કે આ કરાર પૂર્વ પીએમ શાહબાઝ શરીફની સરકાર વખતે થયા હતા. આ ગઠબંધને ગત વર્ષે ઈમરાન ખાનના નેતૃત્વ હેઠળની સરકારને બરતરફ કરી હતી. જોકે ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયે યુક્રેનને હથિયાર અને વિસ્ફોટક વેચ્યાનો ઈનકાર કરી દીધો છે. તેણે દાવો કર્યો છે કે પાકિસ્તાને કડક રીતે તટસ્થ રહેવાની નીતિ અપનાવી છે. 

પાકિસ્તાનની પોલ ખુલી! યુક્રેનને હથિયારો વેચી 3000 કરોડ કમાયા, રશિયાથી સસ્તુ ઓઇલ પણ લીધું, રિપોર્ટમાં દાવો 2 - image


Google NewsGoogle News