ભારત સાથે તણાવ વધતા પાકિસ્તાન સૌથી પહેલા આ દેશની મદદ માંગવા દોડ્યું
Pakistan Deputy PM Meets China Ambassador: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાથી ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને આજે નવા દાવપેચ શરૂ કર્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નિષ્પક્ષ તપાસની ઓફર કરી છે, તો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તેમજ વિદેશ મંત્રી ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. આ બધાની વચ્ચે ભારતનું વલણ જોઈને પાકિસ્તાન સૌથી પહેલા ચીન પાસે મદદ માંગવા દોડ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરી હતી. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'પાકિસ્તાની વિદેશ મંત્રીએ ચીનને પ્રાદેશિક તણાવ અંગે માહિતી આપી છે.
પાકિસ્તાન હવે ચીનની મદદ માંગવા દોડ્યું
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારતે પાકિસ્તાન માટે બધા દરવાજા બંધ કરી દીધા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે, તેમજ તમામ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સાથે ભારતે કડક કાર્યવાહી કરીને અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ભારતમાં પાકિસ્તાન દૂતાવાસને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ભડકી ગયું છે અને વારંવાર ચેતવણી આપી રહ્યું છે. પહલગામ હુમલા બાદ ઘણા દેશોએ ભારતને ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાને હવે મદદ માટે ચીનનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ચેતવણી આપી
આ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, 'પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના ભારતના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. અમે કોઈપણ દુરાચારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ બાબતે કોઈએ કોઇપણ ભૂલ ન કરવી જોઈએ. આ 240 મિલિયન લોકોનો દેશ છે, અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની સાથે છીએ. આ સંદેશ જોરદાર અને સ્પષ્ટ હોવો જોઈએ.'