પાકિસ્તાનના ભાગલા થાય તેવી સ્થિતિ, PoKમાં પ્રજાના પ્રચંડ વિરોધને પગલે આખા દેશનું અર્થતંત્રણ પણ સંકટમાં
Inflation and Unemployment in Pakistan : આંતરિક સંઘર્ષ, મોંઘવારી અને બેરોજગારી જેવા અનેક પડકારોનો સામનો કરી રહેલું પાકિસ્તાન એક વધુ મુસીબતમાં મૂકાઈ ગયું છે. ચીન સાથેના વેપાર દ્વારા પોતાની અર્થવ્યવસ્થા સુધારવાના તેના પ્રયાસોને ફટકો પડે એવું કંઈ બની રહ્યું છે. સમસ્યા એવી છે કે એનો ઉકેલ લાવવામાં પાકિસ્તાનની સરકારને મોંઢે ફીણ આવી ગયા છે.
પાકિસ્તાનમાં આવા પડકાર સર્જાયા છે
પાકિસ્તાનના ઉત્તરી પ્રાંત ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મુખ્ય હાઇવે સ્થાનિક લોકોએ બ્લોક કરી દીધો હોવાથી પરિવહન સમસ્યા સર્જાઈ છે. પ્રદર્શનકારીઓએ ગત શુક્રવારથી કારાકોરમ હાઇવે (KKH) બ્લોક કરી રાખ્યો છે. સરકારે એમને મનાવવાની કોશિશ કરી છે, પણ લોકો માનતા નથી. છેલ્લા ચાર દિવસથી સ્થિતિ જૈસે-થે છે, જેને લીધે ચાઇના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC) દ્વારા માલસામાન વહન કરતી સેંકડો ટ્રકો હાઇવે પર અને ડ્રાય પોર્ટ (બંદર) પર અટવાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન PoK(પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)નો હિસ્સો છે.
પ્રજાના વિરોધના મહત્ત્વના કારણો
સ્થાનિક રહેવાસીઓ વીજકાપને લીધે રસ્તા પર ઉતરી આવ્યા છે. વારંવાર કલાકો સુધીનો વીજકાપ વેઠીને કંટાળેલા લોકો વિરોધ કરવા માટે હાઇવે પર ધરણા કરવા બેસી ગયા છે. વિરોધમાં પ્રજાને ‘હુન્ઝા અવામી ઍક્શન કમિટી’ અને ‘ઓલ પાર્ટીઝ ટ્રેડર્સ ઍસોસિયેશન’નો સહયોગ મળ્યો છે.
હાઇવે પર 700થી વધુ ટ્રકો અટવાઈ છે
હાઇવે બ્લોક થતાં પાકિસ્તાન અને ચીન વચ્ચેના વેપારમાં વિક્ષેપ પડ્યો છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) માર્ગો પર માલસામાન વહન કરતી લગભગ 700 ટ્રકો ફસાયેલી છે. ઘણી ટ્રકો ડ્રાય પોર્ટ (બંદર) પર અટકી પડી છે.
વિરોધની અસર સમગ્ર પાકિસ્તાનમાં પડી
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય મહિનાઓથી મોંઘવારીએ માઝા મૂકી છે. પહેલેથી જ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, એવામાં હુન્ઝા વિસ્તારમાં માલસામાન ભરેલી ટ્રકોની ગતિ સ્થગિત થઈ જવાથી દેશમાં માલસામાનની ખેંચ ઔર વર્તાઈ રહી છે, ચીજો ઔર મોંઘી થઈ રહી છે. આવી સ્થિતિ લાંબો સમય જળવાઈ રહી તો પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ વિરોધના વાવટા ફરકશે.
સરકાર સમસ્યાનો ઉકેલ લાવવામાં અસમર્થ
પાકિસ્તાન સરકારે વિરોધકર્તાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને ત્યાંની વીજ-સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જેમ બને એમ જલ્દી નવી પાવર ટ્રાન્સમિશન લાઇન નાખવાનું વચન આપ્યું છે, પરંતુ વિરોધીઓએ એમની વાત સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. તેઓ વિરોધ ચાલુ રાખવા માટે મક્કમ છે, કેમ કે આ પ્રાંતમાં આ પ્રકારની સમસ્યાઓ ભૂતકાળમાં પણ સર્જાઈ હતી. સરકારની મંથર ગતિને લીધે હાલાકી ભોગવી ભોગવીને ત્રસ્ત થઈ ગયેલી પ્રજાએ જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી દેખાવો ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
સમસ્યાના મૂળમાં છે ઓછું વીજ ઉત્પાદન
ફક્ત હુન્ઝા વેલી જ નહીં, સમગ્ર ગિલગિટ-બાલ્ટિસ્તાન વર્ષોથી વીજળીની અછતમાં જીવતું રહ્યું છે. આ વિસ્તારમાં વીજ ઉત્પાદન હાઇડ્રોપાવર સ્ટેશનો પર આધાર રાખે છે. શિયાળા દરમિયાન પાવર ચેનલોમાં પાણીનું સ્તર ઘટી જતું હોવાથી વીજળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી જાય છે, જેને લીધે પ્રજાએ અંધારપટ વેઠવાનો વારો આવે છે.
…તો પાકિસ્તાનના ટુકડા થશે
આખા પાકિસ્તાનની પ્રજા સરકારની નિષ્ફળ નીતિઓથી ત્રાસી ગઈ છે. બલુચિસ્તાનમાં તો પાકિસ્તાન સરકાર સામે વિરોધનું ઊંબાડિયું કાયમી સળગેલું રહે છે. એવામાં હવે PoKની પ્રજા પણ સરકાર વિરુદ્ધ જંગે ચઢી છે. આ બધા અસંતોષનો સરવાળો પાકિસ્તાનના ટુકડામાં પરિણમે, તો નવાઈ પામવા જેવું નથી.