બૂલચોથી ફફડ્યું ચીન, બલુચિસ્તાનમાં સેના તહેનાત કરી, પાકિસ્તાન સેનાની ફજેતી? જાણો શાહબાજ સરકારનો જવાબ
China Army in Pakistan : બલુચિસ્તાનના નાગરિકોએ અવાર-નવાર હુમલાઓ કરી પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારી દીધી છે. બલૂચો અને ટીટીપી આતંકવાદી હુમલાથી ચીન પણ ફફડી ગયું છે, જેના કારણે ચીને પહેલીવાર પાકિસ્તાનની અંદર પોતાની સેના તહેનાત કરી છે. એવું કહેવાય છે કે, ચીને ખાનગી સુરક્ષા કર્મચારીઓની સુરક્ષાના નામે પાકિસ્તાનમાં સીપીઈસી પ્રોજેક્ટ તથા ચાઈનીઝ નાગરિકોની સુરક્ષા માટે સેના તહેનાત કરી છે. ચીને તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર સાથે સમજૂતી કરી છે, જેમાં સીપીઈસી પ્રોજેક્ટમાં કામ કરતા એન્જિનિયરો અને કર્મચારીઓની સુરક્ષા પુરી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચીની સૈનિકોની તહેનાતી મુદ્દે ભડકી પાકિસ્તાન સરકાર
ચીને પાકિસ્તાનમાં પોતાની સેના તહેનાત કરવાના અહેવાલો વિશ્વભરમાં ફેલાતા પાકિસ્તાન સેનાની ફજેતી થઈ છે. ભારતીય મીડિયામાં પણ આ વાતનો ખુલાસો થયા બાદ પાકિસ્તાની સરકારને સ્પષ્ટતા કરવી પડી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલોને રદીયો આપી ફેક ન્યૂઝ ગણાવ્યા છે.
ચીની સૈનિકોની તહેનાતીના અહેવાલ ખોટા : પાકિસ્તાન
પાકિસ્તાન સરકારે કહ્યું કે, ‘ચીનના સૈનિકોને પાકિસ્તાનમાં તહેનાત કરાયા હોવાના અહેવાલો ખોટા છે. આ ફેક ન્યૂઝ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાએ બલૂચો અને ટીટીપી વિરુદ્ધ બે મોટા ઓપરેશન કર્યા છે, જોકે પછી તેઓ સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ જતા પાકિસ્તાની સેનાની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. બીજીતરફ પાકિસ્તાન સ્થિત કામ કરતા ચીનના નાગરિકો પર અવારનવાર હુમલા થતા ચીનની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે.
પાકિસ્તાનમાં ચીની સેના તૈનાત કરવાની યોજના
ચીને પોતાના સુરક્ષા કર્મચારીઓને એવા સમયે તૈનાત કર્યા છે, જ્યારે તાજેતરમાં બલોચે તેમની એક બસને ઉડાવી દીધી હતી અને 90 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. BLAની માજિદ બ્રિગેડે પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરીને 214 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, ચીને પોતાના સૈનિકો થાર કોલ બ્લોકની અંદર પોતાના પ્રોજેક્ટની સુરક્ષા માટે તૈનાત કર્યો છે. આ જવાબદારી ચીનની ત્રણ ખાનગી સુરક્ષા એજન્સીઓ ડેવે સિક્યોરિટી ફ્રન્ટિયર સર્વિસ ગ્રૂપ, ચાઈના ઓવરસીઝ ગ્રુપ અને હુએક્સિન ઝોંગશાન સિક્યુરિટી સર્વિસને આપવામાં આવી છે.
આ પણ વાંચો : ઈજિપ્તમાં 44 પેસેન્જરને લઈ જતી સબમરિન ડૂબી, છ લોકોના મોત, 29નો આબાદ બચાવ
ચીનના 60 સુરક્ષા કર્મચારીઓને સિંધ પ્રાંતમાં તહેનાત
ચીનના 60 સુરક્ષા કર્મચારીઓને સિંધ પ્રાંતમાં તહેનાત કરાયા છે. પાકિસ્તાનમાં 30,000 ચીની નાગરિકો કામ કરી રહ્યા છે. હવે આ નાગરિકોની સુરક્ષાની જવાબદારી ચીનના સુરક્ષા કર્મચારીઓની રહેશે. આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, ચાઈનીઝ નાગરિકોનો બહારના લોકો સાથે ઓછો સંપર્ક કરે. ચીને અગાઉ પાકિસ્તાન પર દબાણ કર્યું હતું કે, તે તેના નાગરિકોની સુરક્ષા માટે PLA યુનિટ તહેનાત કરે. જ્યારે પાકિસ્તાને અપમાનના ડરથી તેનો ઈન્કાર કર્યો હતો. તે વખતે ચીને ખાનગી સુરક્ષા કર્મચારી હોવાના નામે પોતાના સૈનિકો મોકલ્યા હતા.
બલૂચોએ પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારતા ચીન ટેન્શનમાં
બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક અને નૌશેકીમાં સેનાના કાફલા પર હુમલો થવાની ઘટનામાં પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની વિશ્વભરમાં ચર્ચા થવાની સાથે ફજેતી થઈ છે, તો બીજીતરફ તેના ખાસ કહેવાતા મિત્ર ચીને પણ તેને મહામુશ્કેલીમાં મુકી દીધું છે. પાકિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, તેથી પાકિસ્તાનમાં બનેલી આ ઘટનાઓને લઈ ચીન ટેન્શનમાં આવી ગયું છે, જેના કારણે તેણે કડક સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પાકિસ્તાન પર દબાણ વધારી દીધું છે.
પાકિસ્તાનમાં લગભગ 30 હજાર ચીની કર્મચારી
પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સ પર ચીનના એન્જિનિયર કામ કરી રહ્યાં છે. જેમાં સૌથી મહત્વનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) છે. સીપીઈસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ' નો ભાગ છે. આ વર્ષે સીપીઈસી પર કામ કરી રહેલા ઘણા ચીનના એન્જિનિયરો પર હુમલા થયા છે. પાકિસ્તાનમાં લગભગ 30 હજાર ચીની નાગરિક કામ કરે છે. તેમાંથી સૌથી વધુ લોકો CPEC પર કામ કરી રહ્યાં છે. ત્રણ હજાર કિલોમીટર લાંબો આ કોરિડોર ચીનના કાશગરથી શરૂ થાય છે અને પાકિસ્તાનના ગ્વાદર પર ખતમ થાય છે. ગ્વાદર બલૂચિસ્તાનમાં છે. બલૂચોનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન તેમના સંશાધનો પર કબ્જો કરી રહ્યું છે. આ કારણ છે કે બલૂચ લિબરેશન આર્મી (BLA) આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લોકો અને એન્જિનિયરોને ટાર્ગેટ કરી રહી છે.
ચીની કર્મીઓ પર હુમલાનો ઈતિહાસ
ચીની વર્કર્સ પર હુમલો કરવાનો BLA નો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. 2018માં કરાચીમાં ચીની કોન્સ્યુલેટની બહાર બોમ્બ બ્લાસ્ટ, 2019માં ગ્વાદર પર્લ કોન્ટિનેન્ટલ હોટલ, 2020માં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ અને 2022માં કરાચી યુનિવર્સિટીમાં હુમલા થઈ ચૂક્યા છે. ઓગસ્ટ 2021માં ગ્વાદરમાં ચીની વર્કર્સના એક કાફલા પર હુમલો થઈ ગયો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ પહેલા જુલાઈમાં ખૈબર પખ્તૂનખ્વાહમાં ચીની વર્કર્સને લઈ જઈ રહેલી બસ પર હુમલો થયો હતો, જેમાં 9 લોકોના મોત થઈ ગયા હતા.
શા માટે ચીનના નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે?
પાકિસ્તાનમાં ચીનના નાગરિકોને નિશાન બનાવવાની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, જ્યારે એક સાથે ચીનના ત્રણ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચે CPEC એટલે કે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને વાતચીત શરૂ થઈ હતી. અલગ-અલગ હુમલામાં જેટલા પણ ચીનના નાગરિકો માર્યા ગયેલા તે તમામ આ કોરિડોર સંબંધિત પ્રોજેક્ટનો ભાગ હતા. થોડા દિવસો પહેલા જાપાનની એક મીડિયા સંસ્થા Nikkei Asiaએ આ અંગે એક રિપોર્ટ લખ્યો હતો, તેમા કહેવામાં આવ્યું હતું કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને અન્ય સંગઠનોને એવું લાગે છે કે ચીનના નાગરિકોના કારણે આ વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે. તેમની દલીલ છે કે કોરિડોર પ્રોજેક્ટના નામે કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને તે પ્રમાણે અહીં વિકાસ થઈ રહ્યો નથી.
આ પણ વાંચો : 'હવે અમારો વારો...'રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે