6 મંત્રાલય બંધ, દોઢ લાખ નોકરીઓનો અંત, કંગાળ પાકિસ્તાન આર્થિક કટોકટીમાં ફસાયું
Pakistan cuts 1.5 lakh jobs: રોકડની તંગીથી ત્રસ્ત પાકિસ્તાને વહીવટી ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 1,50,000 સરકારી પોસ્ટ નાબૂદ કરવાની સાથે છ મંત્રાલયો બંધ કરવાની અને અન્ય બે મંત્રાલયોને ભેગા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની નવી જાહેરાતો આઈએમએફ સાથે 7 અબજ ડોલરની લોન મામલે થયેલી સમજૂતીના ભાગરૂપે છે.
પાકિસ્તાન આર્થિક કટોકટીમાં ફસાયું
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 26 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને મંજૂર કરેલી લોનનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત 1 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આઈએમએફએ પાકિસ્તાન સરકારને પોતાનો ખર્ચ ઘટાડવા, ટેક્સ વધારવા અને કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો પર ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સબસિડી નાબૂદ કરવી જોઈએ અને કેટલીક યોજનાઓ પણ મર્યાદિત કરવી જોઈએ.
આ પણ વાંચો: ઈઝરાયલ બગડ્યું! હિઝબુલ્લાહ બાદ ઈરાનના વધુ એક સહયોગી હૌથીઓ પર યમનમાં કરી એરસ્ટ્રાઈક
દોઢ લાખ સરકારી નોકરીઓનો અંત આવશે
અમેરિકાથી પરત ફરેલા પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે, 'આઈએમએફ સાથે ડીલ કરવામાં આવી છે. આ અમારો છેલ્લો સોદો હશે. આ અંતર્ગત કેટલીક નીતિઓને અમલમાં મુકતા અમે સરકારી ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છીએ. છ મંત્રાલયો બંધ કરવામાં આવશે અને બેને મર્જ કરવામાં આવશે. આ સિવાય વિવિધ મંત્રાલયોમાં દોઢ લાખ સરકારી નોકરીઓનો અંત આવશે.'
G-20નો ભાગ બનવા અર્થવ્યવસ્થાને મજબૂત કરવી પડશે
આ મામલે પાકિસ્તાનના નાણામંત્રી વધુમાં જણાવ્યું હતું કે, 'અમે ટેક્સ વધારવાનો પણ પ્રયાસ કરીશું. ગયા વર્ષે 3 લાખ વધારાના કરદાતા ઉમેરાયા હતા. તેમજ આ વર્ષે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ નવા કરદાતાઓ જોડાયા છે. ટેક્સ નિયમો વધુ કડક કરવામાં આવશે. જે લોકો ટેક્સ નહીં ભરે તેમને પ્રોપર્ટી અને વાહનો ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહિ. જો પાકિસ્તાનને G-20નો ભાગ બનવું હશે તો આપણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવી પડશે. હવે અમારી નિકાસ પણ વધી રહી છે.'